Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

છત્તીસગઢમાં અંતિમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો થયેલ અંત

૭૨ વિધાનસભા બેઠક પર મંગળવરના દિવસે મતદાન થશે : ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મોદી, રાહુલ ગાંધી સહિતના તમામ પાર્ટીઓના મોટા નેતાઓએ લગાવેલી તાકાત : મતદાનને લઇને મજબૂત સુરક્ષા વ્યવસ્થા

રાયપુર, તા. ૧૮ : છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંત આવ્યો હતો. ૧૯ જિલ્લાઓને આવરી લેતા ૭૨ મત વિસ્તારોમાં મંગળવારના દિવસે મતદાન થશે. આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ સંપૂર્ણ તાકાત ઝીંકી દીધી હતી. પ્રથમ તબક્કામાં રેકોર્ડ ઉંચુ મતદાન થયા બાદ બીજા અને અંતિમ તબક્કાના મતદાનને લઇને પણ ઉત્સુકતા વધી ગઈ છે. માઓવાદીગ્રસ્ત વિસ્તારોમાં પ્રથમ તબક્કામાં રેકોર્ડ ૭૬ ટકાથી વધુ મતદાન પ્રથમ તબક્કામાં આ મહિનાની ૧૨મી તારીખે થયા બાદથી ચૂંટણી પંચ અને સુરક્ષા દળો આ મતદાનના તબક્કાને પણ શાંતિપૂર્ણરીતે પાર પાડવા માટે સજ્જ છે. આજે પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટી અને અન્ય તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. ૧૮ માઓવાદીગ્રસ્ત મતવિસ્તારોમાં પ્રથમ તબક્કામાં ઉલ્લેખનીયરીતે મતદાન થયું હતું. ભાજપ તરફથી મોદી ઉપરાંત ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીયમંત્રી સ્મમૃતિ ઇરાની સહિતના સ્ટાર પ્રચારકોએ ચૂંટણી પ્રચાર કરીને માહોલ પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બર અને નવજોતસિંહ સિદ્ધૂએ પણ ચૂંટણી પ્રચારમાં ભાગ લઇને પોતાની પાર્ટીની તરફેણમાં મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. છત્તીસગઢની સાથે સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં પણ ચૂંટણી યોજાનાર છે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં આ મહિનાની ૨૮મી તારીખે એક જ તબક્કામાં મતદાન થશે જ્યારે બીજી બાજુ રાજસ્થાનમાં એક જ તબક્કામાં સાતમીએ મતદાન થનાર છે. મિઝોરમ, તેલંગાણા, રાજસ્થાનની ચૂંટણીમાં હજુ વાર છે ત્યારે આજે પ્રચારના છેલ્લા દિવસે છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. છત્તીસગઢમાં મતદાનના પ્રથમ તબક્કામાં ૧૨મી નવેમ્બરના દિવસે રેકોર્ડ મતદાન થયું હતું.

૭૬ ટકાથી વધુ મતદાન થયા બાદ ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સંતુષ્ટ છે. હવે આનાથી પણ ઉંચા મતદાનની ખાતરી કરવા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મળેલી માહિતી મુજબ આ ૭૨ વિધાનસભા મતવિસ્તારોમાં તમામ મથકો ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં અડધાથી વધુ સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા બાદ હવે ૧૯ જિલ્લાઓને આવરી લેતી ૭૨ સીટો ઉપર મતદાનને લઇને ચૂંટણી પંચે કમરકસી છે.

(12:00 am IST)