Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

લદાખમાંથી ભારતીય સેનાએ ચીનના સૈનિકને ઝડપી લીધો

લદાખ સરહદે ચીનની અવરચંડાઈ જારી : ઝડપાયેલો સૈનિક કોરપોરલ રેન્ક પર છે અને તે શાંગજી વિસ્તારનો છે, સૈન્ય દ્વારા સઘન પુછપરછ બાદ છોડાશે

નવી દિલ્હી, તા. ૧૯ : લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલ લાઇન ને લઈને તનાવ વચ્ચે પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકને લદ્દાખના ડેમચોકથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. ચીની સૈનિકની આજે સવારે અટકાયત કરવામાં આવી છે, જે કોરપોરલ રેન્ક પર છે અને તે શાંગજી વિસ્તારનો રહેવાસી છે. તેની પાસેથી સિવિલ અને સૈન્યના દસ્તાવેજો મળી આવ્યા છે. દરમિયાન, સૈનિક ભુલથી ભારતીય સરહદમાં ઘુસી ગયો હોવાનું જાણવા મળ્યા બાદ ચીનની વિનંતી પર તેને છોડી મુકવામાં આવશે. ભારતીય સૈન્યના સૈનિકોએ ચીની સૈનિકને કબજોમાં લીધો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.  તેમને પૂછવામાં આવી રહ્યું છે કે તે ભારતીય સરહદ વિસ્તારમાં શું કરે છે. તપાસ એજન્સીઓ જાસૂસી મિશનના એંગલથી પણ આ મુદ્દાની તપાસ કરી રહી છે. બંને દેશોની વચ્ચે સરહદો નક્કી ના થવાના લીધે મોટાભાગે આવી ઘટનાઓ બનતી રહે છે.

               ભારત અજાણતા સરહદ પાર કરીને આવતા ચીની નાગરિકોને સકુશળ પાછ મોકલવામાં કયારેય ખચકાતું નથી. આ તણાવની વચ્ચે એક ચીની કપલ રસ્તો ભટકી ગયું હતું. આપણી સેના એ માત્ર તેમને રસ્તો જ દેખાડ્યો નહીં પરંતુ ખવડાવી પીવડાવી તેમને પાછા મોકલ્યા હતા. પ્રોટોકોલ અનુસાર જો કોઇ અજાણતા સરહદ પાર કરે છે તો તેને પૂછપરચ્છ બાદ પાછા સોંપી દેવાય છે. જો કે ચીન આ મામલામાં તિકડમબાજીથી બાજ આવતું નથી. ગયા મહિને અરૂણાચલ પ્રદેશના પાંચ યુવાનો ગુમ થઇ ગયા હતા. પૂરી શંકા હતી કે ચીને પકડી રાખ્યા છે. પહેલાં તો ચીને કંઇ કહ્યું નહીં બાદમાં તેમને છોડી દીધા. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંય મહિનાઓથી લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીનના સૈનિકો આમને સામને છે. લદ્દાખને લઇ ચીન ભારતને કેટલીય વખત કોરી ધમકીઓ આપી રહ્યું છે. પરંતુ ભારત દરેક મોરચે જવાબ આપવા સજ્જ છે.

(8:56 pm IST)