Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગુજરાતના ૫૭% વિદ્યાર્થી પાસે સ્માર્ટ ફોન નથીઃ ૪૮% પાસે ટીવી પણ નથી

સ્માર્ટફોન - ટીવી ન ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નવી દિલ્હી, તા.૧૯: રાજયની સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહેતા હોઈ શિક્ષણ વિભાગ દ્વારા તેમના માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હાલમાં આવા વિદ્યાર્થીઓ માટે વિવિધ માધ્યમથી શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ વધુ ૭ મુદ્દાઓના આધારે ટીવી અને સ્માર્ટફોન ન ધરાવતા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો શિક્ષણ વિભાગ દ્વારા પ્રયાસ કરાયો છે. શિક્ષણ વિભાગના તારણ મુજબ રાજયની સરકારી સ્કૂલોના ૫૭ ટકા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન નથી અને ૪૮ ટકા વિદ્યાર્થીઓ પાસે ટીવીની સુવિધા નથી. જયારે ગ્રાન્ટેડ સ્કૂલની વાત કરી એ તો, ૩૩ ટકા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન અને ૪૬ ટકા વિદ્યાર્થીઓ પાસે ટીવીની સુવિધા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયમાં તમામ બાળકો દ્વારા હોમ લર્નિંગ અંતર્ગત કયા કયા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે તેની જાણકારી મેળવી તેના દ્વારા બાળકોને હોમ લર્નિંગ મળી રહે તે માટે અધિકારીઓને સુચના અપાઈ છે. જે વિદ્યાર્થીઓ પાસે એક પણ પ્રકારનું ડિઝીટલ ડિવાઈઝ ઉપલબ્ધ નથી તેવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે તે મુજબ હોમ લર્નિંગ અંતર્ગત શાળા વાઈઝ- વિદ્યાર્થી વાઈઝ સતત શીખવવાની યોજના સુનિશ્ચિત કરવા માટે પણ સુચના અપાઈ છે.

રાજયમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરતા હજુ અનેક વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન અને ટીવી જેવા ઉપકરણો ન હોવાના લીધે તેમના માટે લર્નિંગ હોમ માટેનું આયોજન કરવું ખુબ જ જરૂરી હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા તૈયાર કરાઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી સ્કૂલના ૫૭ ટકા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન નથી. જયારે ૪૮ ટકા વિદ્યાર્થીઓ પાસે ટીવીની સુવિધા નથી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા આવા વિદ્યાર્થીઓને અલગ તારવી તેમના માટેની યોજના તૈયાર કરી છે.

જે વિદ્યાર્થીઓ પાસે ટીવી અને સ્માર્ટ ફોન નથી તેમના માટે પાઠ્ય પુસ્તક, ટેલિફોન સંપર્ક, એકમ કસોટી અને ઘરે શિખીએ વર્કશીટ હાલમાં ઉપલબ્ધ છે. જે મુજબ પાઠ્ય પુસ્તકો તમામ વિદ્યાર્થીઓને ઘર સુધી મળી ગયા છે. જેથી તેના માધ્યમથી તેઓ તૈયારી કરી શકે છે. આ ઉપરાંત ટેલિફોનીક સંપર્કના માધ્યમથી શિક્ષકો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન અને શૈક્ષણિક સહાયતા પુરી પાડે છે. એકમ કસોટીના માધ્યમથી સ્કૂલો દર મહિને વિદ્યાર્થીઓને દ્યર સુધી પેપર પહોંચાડી તેમનું મુલ્યાંકન કરી રહી છે. આ ઉપરાંત જીસીઈઆરટી દ્વારા હાર્ડકોપીમાં ધોરણ-૧થી ૮ના વિદ્યાર્થીઓને પ્રેકિટસ વર્કશીટ્સ આપવામાં આવે છે. જેથી સ્કૂલોએ આ વર્કશીટ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે જોવા માટે તાકીદ કરાઈ છે.

ટીવી અને સ્માર્ટફોન જેવા ઉપકરણો ધરાવતા વિદ્યાર્થીઓ માટે હાલમાં અનેક કાર્યપધ્ધતિ અમલમાં છે. પરંતુ તે પુરતી ન હોઈ શિક્ષણ વિભાગ દ્વારા વધારાની કાર્યપધ્ધતિ નક્કી કરી છે. જેના અમલથી સ્માર્ટફોન કે ટીવી ન હોવા છતાં વિદ્યાર્થીઓ યોગ્ય રીતે અભ્યાસ કરી શકશે. ઉપકરણો વિનાના વિદ્યાર્થીઓને ટ્રેકિંગ અ્ને શીખવવાની સુવિધા પુરી પાડવા માટે ડિવાઈઝીસ મેપિંગ અને એસએમસી સભ્યો સાથેના પરામર્શના આધારે શાળા દ્વારા વિવિધ યોજના બનાવી શકે છે, જે અંગે વિભાગ દ્વારા પણ માર્ગદર્શન અપાયું છે.

(3:38 pm IST)