Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સમયસર હપ્તા ચુકવનારને અપાશે લાભ

૧ માર્ચથી ૩૧ ઓગસ્ટ વચ્ચે મોરેટોરીયમ દરમ્યાન વ્યાજ પરનું વ્યાજ માફ કરવાની યોજના પર ચાલી રહ્યું છે કામ દિવાળી સુધીમાં થઇ શકે જાહેરાત

નવી દિલ્હી તા. ૧૯ : સરકાર બે કરોડ રૂપિયા સુધીના ઇએમઆઇ પરનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માફ કરવા બાબતે વિચારી રહી છે આ યોજનાનો લાભ હોય લોન સહિતની બધા પ્રકારની લોન અને મોરેટોરીયમ દરમ્યાન જેમણે પોતાના હપ્તા નિયમિત ભર્યા છેતેમને પણ અપાશે તેવું આ યોજનાથી માહિતગાર બે અધિકારીઓએ કહ્યું હતું.

અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ૧ માર્ચથી ૩૧ માર્ચ દરમ્યાનના મોરેટોરીયમ દરમ્યાન વ્યાજ પરનુ વ્યાજ માફ કરવાની આ યોજના પર અત્યારે કામ ચાલી રહ્યું છે. અને તેની આધિકારીક જાહેરાત દિવાળી પહેલા થઇ જવાની શકયતા છે.

બેમાંથી એક અધિકારી જે નાણા મંત્રાલયમાં સીનીયર પોસ્ટ પર છે તેમણે કહ્યું, ''આમાં કોઇ પણ સેકટરને છોડવામાં નહીં આવે જો કે પર્સનલ લોન લેનારનું વ્યાજ પરનુ વ્યાજ માફ થશે કે નહીં તે નકકી નથી. આ યોજનાનો લાભ ર કરોડ સુધીની લોન લેનાર માટે જ રહેશે.

અધિકારીએ કહ્યું હતું કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં મોરેટોરીયમ પીરીયડ દરમ્યાન માફીનો લાભ બધા લોન લેનારાઓને મળશે જેમણે છ મહિનાના મોરેટોરીયમનો લાભ લીધો હશે તેમને અને જેમણે આ સમયગાળામાં પોતાના હપ્તાઓ રેગ્યુલર ભર્યા હશે તેમને પણ બીજા અધિકારીએ કહ્યું કે સરકારે સુપ્રિમમાં કહ્યું છે કે ર કરોડ સુધીની લોન લેનારના વ્યાજ પરનુ વ્યાજ આ છ મહિના માટે માફ કરવામાં આવશે. આ પગલાથી ઘણી નાણાકીય મુશ્કેલીઓ ઉભી થઇ શકે તેમ હોવાથી તેના પર કામ ચાલી રહ્યું છે અને દિવાળી સુધીમાં આ અંગેની જાહેરાત થઇ જશે.

(2:58 pm IST)