Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વરસાદને કારણે હૈદ્રાબાદમાં હાહાકારઃ JCB ની મદદથી બાળકો - મહિલાઓને બહાર કાઢી રહ્યું છે તંત્ર

અત્યાર સુધીમાં રાજયમાં ૫૦ લોકોના મૃત્યું થયા છે અને અંદાજે ૬૦૦૦ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાનનું અનુમાન છે

હૈદ્રાબાદ,તા. ૧૯: હૈદરાબાદમાં ભારે વરસાદના પગલે જનજીવન ઘણું પ્રભાવિત જોવા મળ્યું છે. શનિવારે રાતે થયેલ ભારે વરસાદથી બાલાપુર તળાવનો બાંધ તૂટી ગયો, જેના કારણે શહેરના કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયેલું જોવા મળ્યું. કેટલાંક વિસ્તારોમાં તો પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ જવાથી લોકો ઘરની અગાશી પર રહેવા મજબૂર બન્યાં. તો બીજી તરફ રોડ પર પાણી ફરી વળ્યાં, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયેલું જોવા મળ્યું.

તેલંગાણામાં ગત અઠવાડિયે ભારે વરસાદના વરસ્યો હતો. જેના કારણે અત્યાર સુધીમાં રાજયમાં ૫૦ લોકોના મૃત્યું થયા છે અને અંદાજે ૬૦૦૦ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાનનું અનુમાન છે. આ વચ્ચે NDRFના ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. કેટલાંક વિસ્તારોમાં જયાં હજુ પાણી ભરાઇ ગયા છે, ત્યાં JCB મશીન પર બેસીને મહિલાઓ અને બાળકોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવી રહ્યાં છે.

ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા કેન્દ્રિય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીએ અપીલકરી છે કે હૈદરાબાદના બધા નાગિરકોને અનુરોધ છે કે તેઓ દ્યરની અંદર રહે અને બહાર ના જાય, કારણ કે શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે અને સ્થિતિ પર હાલ નજર રાખવામાં આવી રહી છે.

ઓલ્ડ કરનૂલ રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો છે અને એરપોર્ટ અને બેંગલુરુથી આવનારા લોકોને આઉટર રિંગ રોડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. હૈદરાબાદના કેટલાંક વિસ્તારોમાં ૧૫૦ મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે. આજે પણ હૈદરાબાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજયના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયાની આર્થિક મદદનું એલાન કર્યું છે. જયારે વરસાદના પગલે જે લોકોનું મકાન ક્ષતિગ્રસ્ત થયું છે તેમને નવુ ઘર બનાવી આપવામાં આવશે.

(11:33 am IST)