Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

Jio વધુ એક ધડાકો કરશેઃ સાવ સસ્તા આપશે 5G સ્માર્ટફોન

કિંમત ૫ હજાર રૂપિયા હશે અને વેચાણ વધ્યા બાદ કિંમત ઘટીને ૨,૫૦૦ હજાર રૂપિયા સુધી થઈ જશે

નવી દિલ્હીઃ તા.૧૯: ભારતના ટેલિકોમ બજારમાં છવાયા બાદ મુકેશ અંબાણી ભારતના સ્માર્ટફોન બજારમાં છવાઈ જવા ઝડપથી આગળ વધી રહ્યા છે. જિયો ટૂંક સમયમાં 5G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, શરૂઆતમાં આ સ્માર્ટફોનની કિંમત ૫,૦૦૦ રૂપિયા હશે. બાદમાં તેની કિંમત ઘટાડીને ૨,૫૦૦-૩,૦૦૦ રૂપિયા કરી દેવાશે. દેશમાં હજુ પણ લગભગ ૩૦ કરોડ 2G યૂઝર્સ છે. અંબાણીની નજર આ લોકો પર છે.

આ વર્ષે રિલાયન્સ એજીએમ પહેલા માઈક્રોસોફ્ટે જિયો પ્લેટફોર્મ્સમાં ૪.૫ અબજ ડોલર (લગભગ ૩૨ હજાર કરોડ રૂપિયા)નું મોટું રોકાણ કર્યું. એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, અમે માઈક્રોસોફ્ટ સાથે મળીને એક એવું પ્રોસેસર તૈયાર કરીશું જે 5G સપોર્ટેડ હશે અને અમારા ફોનની કિંમત ૫,૦૦૦ રૂપિયા હશે. હાલમાં દેશના લગબગ ૩૦ કરોડ લોકો ઈન્ટરનેટથી દૂર છે. અમે એ લોકોના હાથમાં સસ્તા સ્માર્ટફોન આપવા ઈચ્છીએ છીએ જે 5G સપોર્ટેડ હશે.

કંપનીના એક અધિકારીએ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે, 'જિયો હેન્ડસેટની કિંમત ૫,૦૦૦ રૂપિયાથી ઓછી રાખવા ઈચ્છે છે. જયારે અમે વેચાણ વધારી લઈશું, તો તેની કિંમત ૨,૫૦૦-૩,૦૦૦ રૂપિયા થઈ શકે છે.' રિલાયન્સ જિયોએ આ સંબંધમાં મોકલેલા ઈમેલનો કોઈ જવાબ નથી આપ્યો. હાલમાં ભારતમાં મળતા 5G સ્માર્ટફોનની કિંમત ૨૭,૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે. જિયો ભારતમાં ઉપભોકતાઓ માટે મફત 4G મોબાઈલ ફોન રજૂ કરનારી પહેલી હતી. તે અંતર્ગત જિયો ફોન માટે ૧,૫૦૦ રૂપિયા આપવાના હતા, જે બાદમાં રિફન્ડેબલ હતા. જિયોની ટેલિકોમ માર્કેટમાં એન્ટ્રી બાદથી ભારતીય ટેલિકોમ બજારમાં પહેલેથી ઉપસ્થિત દિગ્ગજ ટેલિકોમ કંપનીઓને મોટી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે અને વોડાફોન અને આઈડિયા જેવી કંપનીઓએ તો મર્જર કરીને જિયો સામે લડવું પડી રહ્યું છે.

કંપની પોતાના 5G નેટવર્ક હેન્ડસેટ પર પણ કામ કરી રહી છે અને તેના ટેલિકોમ વિભાગે આ ઉત્પાદનોના પરીક્ષણ માટે સ્પેકટ્રમ ફાળવણી કરવા કહ્યું છે. સરકારે હાલમાં જિયોના અનુરોધ પર વિચાર નથી કર્યો. હાલમાં ભારતમાં 5G સેવા નથી મળતી અને સરકારે 5G ટેકનિક પરીક્ષણ માટે ટેલિકોમ કંપનીઓને સ્પેકટ્રમ વહેંચણી નથી કરી.

(9:43 am IST)