Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

EPFOના કર્મચારીઓને દિવાળી ભેટઃ ૬૦ દિવસનું બોનસ મળશે

શ્રમ મંત્રાલય દ્વારા નોટિફિકેશન જારીઃ બી અને સી ગ્રૂપના કર્મચારીઓને લાભ મળશે

નવી દિલ્હી તા.૧૯: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) ના કર્મચારીઓને સરકારે દિવાળી પહેલાં મોટી ભેટ આપી છે. સરકારે ઇપીએફઓના કર્મચારીઓને ૬૦ દિવસનું પ્રોડકિટવિટી લિંક બોનસ (પીએલબી) આપવાની જાહેરાત કરી છે. ૬૦ દિવસના બોનસનો આ લાભ ઇપીએફઓના તમામ ગ્રૂપ-સી અને ગ્રુપ-બી (નોન ગેઝેટેડ) કર્મચારીઓને વર્ષ ૨૦૧૮-૧૯ માટે મળશે. બોનસની રકમ ઝોનલ ઓફિસર દ્વારા સુપરત કરવામાં આવેલા રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવી બોનસ માટેના તમામ નિયમો નાણાં મંત્રાલયની શરતો અને નિયમો અનુસાર હશે.

સરકારે જ્યારે ઇપીએફઓના કર્મચારીઓને જ્યારે ૬૦ દિવસનું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે તે તેનાથી ગ્રુપ બી અને ગ્રુપ સી કેડરના (નોન ગેઝેટેડ) કર્મચારીઓને સરેરાશ રૂ.સાત હજારનું બોનસ મળશે. પ્રોડકિટવિટી લિંકડ બોનસ હેઠળ ૨૫ ટકા રકમ કર્મચારીના સેલરી એકાઉન્ટમાં અને બાકીની રકમ પીએફ એકાઉન્ટમાં જશે.

બોનસની રકમ ગણવાની એક સરળ ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા હેઠળ કર્મચારીઓને પગારના જેટલા દિવસનું બોનસ મળે તેને મલ્ટિપ્લાય કરીને ૩૦.૪ થી ડિવાઇડ કરવામાં આવે છે. અહીં ૩૦.૪નો અર્થ એક મહિનામાં સરેરાશ દિવસોની સંખ્યા એવો થાય છે.

સ્ટેટ એમ્પ્લોઇઝ જોઇન્ટ કાઉન્સિલના સંયોજક આર.કે.વર્માએ જણાવ્યું હતું કે ઇપીએફઓ બોનસની ગણતરી એ જ રીતે કરવામાં આવે છે, જેમ બીજા સરકારી કર્મચારીઓના બોનસની ગણતરી કરાય છે, તેમાં માત્ર ફરક એ હોય છે કે દિવસોની સંખ્યા અલગ અલગ હોય છે. દરમિયાન ઇપીએફઓએ છ કરોડથી વધુ સભ્યોને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૮.૬૫ ટકાના દરે વ્યાજ પીએફ ખાતામાં ચૂકવવાનું શરૂ કરી દીધું છે.

(3:36 pm IST)