Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

બેંગ્લોરમાં આતંકી સ્લીપર સેલ સક્રિયઃ કાંઠાના વિસ્તારોમાં ભેદી હિલચાલ જોવા મળી

કર્ણાટકના ગૃહપ્રધાન બોમ્મઇની જાહેરાતઃ અલગ અલગ એટીએસ બનશે

બેંગ્લોરઃ કર્ણાટકના ગૃહપ્રધાન બસવરાજ બોમ્મઇની કહ્યુ છે કે બેંગ્લોર અને મૈસુરમાં આતંકવાદી સ્લીપરસેલ સક્રિય છે અને તેમની ગતિવિધિઓ કાંઠાળ વિસ્તારો અને બંગાળની ખાડીમાં પણ વધી હોવાના સંકેતો મળ્યા છે.

બોમ્મઇએગઇકાલે મૈસુરમાં પત્રકારોને કહ્યુ કે એનઆઇએએ જમાત ઉલ મુજાહીદ્દીન  (જેએબબી)ના સંદિગ્ધોની હિલચાલ અંગે ભાળ મેળવી છે. તેમની ગતિવિધીઓ કર્ણાટકના કાંઠાળ વિસ્તારોની સાથે સાથે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ જોવા મળી છે. તેમણે કહ્યુ કે સરકારને શંકા છે કે બેંગ્લોર અને મૈસુરમાં આતંકવાદી  સ્લીપર સેલ પણ સક્રિય છે. અને એનઆઇએ ઈચ્છે છે કે વધારાની સતર્કતા રાખવામાં આવે જમાત ઉલ મુજાહીદ્દીન (જેએમબી)એ છેલ્લા થોડા સમયમાં કર્ણાટકના તટીય અને અંદરના વિસ્તારો ઉપરાંત બંગાળની ખાડી અને અરબી સમુદ્રના કાંઠાળ વિસ્તારોમાં પોતાની સક્રિયતા વધારી છે.

આ પહેલા ગૃહપ્રધાને જાહેરાત કરી હતી કે બેંગ્લોર માટે અલગ આતંક વિરોધી દળ (એટીએસ)ની રચના કરવામાં આવશે અને આ દળ એનઆઇએ સાથે મળીને કામ કરશે. જો રાજ્યમાં એટીએસ તો પહેલાથી છે પણ જ્યારે બેંગ્લોરની આસપાસમાંથી જેએમબીના સંદીગ્ધો પકડાયા એટલે આ નિર્ણય લેવાયો હતો. તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી અને કેટલાક ઉપકરણો પણ ઝડપાયા હતા. આ બાંગ્લાદેશી આતંકવાદી જૂથ આખા ભારતમાં પોતાનુ નેટવર્ક ફેલાવવા માંગે છે. તેના ૧૨૫થી વધારે સંદિગ્ધોનું લિસ્ટ એટીએસ પાસે છે.

(3:34 pm IST)