Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જનરલ બોર્ડમાં ડેંગ્યુ મુદ્દે ઉગ્ર ચર્ચાઃ શાસક-વિપક્ષ સામસામે

કોંગ્રેસે ડેંગ્યુના ખોટા આંકડા-કામગીરીમાં બેદરકારીના આક્ષેપો કર્યાઃ ભાજપે રોગચાળા અટકાયતી પગલા લેવાયાનો દાવો કર્યોઃ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે ડેંગ્યુ રોગચાળા અંગે સચોટ-સત્તાવાર વિગતો રજૂ કરી

જનરલબોર્ડમાં હોબાળોઃ આજે યોજાયેલ મ્યુ.કોર્પોરેશનના જનરલ બોર્ડના પ્રારંભે ડેન્યુના રોગચાળાની ચર્ચાના મુદ્દે હોબાળો મચ્યો હતો. તે વખતની તસ્વીરોમાં કોંગ્રેસનાં કોર્પોરેટરો વશરામભાઇ સાગઠિયા, ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં.૧૧), ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, નિર્મળ મારૂ, ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં.૧૭) મનસુખભાઇ કાલરિયા વગેરેએ સભા અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્ય પાસે ધસી જઈ હોબાળો મચાવતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયેલ તે નજરે પડે છે. અન્ય તસ્વીરમાં મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ રોગચાળાની કામગીરી અંગે અહેવાલ આપતા નજરે પડે છે. તેમજ ગાયત્રીબા વાઘેલા, ઉદય કાનગડ, કોર્પોરેટર અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, આશિષ વાગડિયા, ડો. ઉપાધ્યાય, ડો. દર્શિતાબેન શાહ, જાગૃતિબેન ડાંગર વગેરે ચર્ચા કરી રહેલા નજરે પડે છે (તસ્વીરોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૯ :. મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી જનરલ બોર્ડ બેઠકમાં શહેરમાં ફેલાઈ રહેલા ડેંગ્યુ-મેલેરિયાના રોગચાળા મુદ્દે શાસકપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. જો કે કોઈ રાજકીય આક્ષેપબાજી વગર ઘણા વખતે પ્રજાના પ્રશ્નની ચર્ચા થઈ હતી.ઙ્ગ

આજે સવારે ૧૧ વાગ્યે જનરલ બોર્ડનો પ્રારંભ થતા જ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા અને પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ બોર્ડમાં રોગચાળાના પ્રશ્નની ચર્ચા કરવા ઉગ્ર માંગ ઉઠાવી હતી.

જે સંદર્ભે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને રોગચાળાના મુદ્દે કોઈપણ રાજકિય આક્ષેપબાજી વગર પ્રજાના આ પ્રશ્નની ચર્ચા કરવાની તૈયારી બતાવતા આ મુદ્દે બન્ને પક્ષોએ પોતપોતાના સૂચનો અને આંકડાકિય વિગતો અને પ્રશ્નો રજૂ કર્યા હતા.

કોંગ્રેસ તરફથી વશરામભાઈ સાગઠિયા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, જેન્તીભાઈ બુટાણી અને જાગૃતિબેન ડાંગરે મ્યુ. કોર્પોરેશનના તંત્ર દ્વારા રોગચાળા સામે અટકાયતી પગલા લેવામાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું અને ડેંગ્યુના દર્દીઓના આંકડા ખોટા અપાતા હોવાના આક્ષેપો કર્યા હતા.

જ્યારે સામાપક્ષે ભાજપ તરફથી સિનીયર કોર્પોરેટર અને પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ઉદય કાનગડ, ડો. જૈમન ઉપાધ્યાય, ડો. દર્શિતાબેન શાહે ડેંગ્યુના દર્દીઓ માટે માન્ય 'અલાઈઝા' ટેસ્ટ અંગે સમજણ આપી અને ખરેખર હકીકતે આ મુજબ ડેંગ્યુના દર્દીઓ ઓછા હોવાનું જણાવેલ જ્યારે સભાના અધ્યક્ષ સ્થાનેથી મેયર બીનાબેન આચાર્ય અને મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે ડેંગ્યુ સહિતના રોગચાળાને અટકાવવા માટે યોજાતા આરોગ્ય કેમ્પ, ચેકીંગ, દવા છંટકાવ, જનજાગૃતિ, ઉકાળા વિતરણ સહિતની કામગીરીના આંકડાઓ રજૂ કર્યા હતા.

(3:19 pm IST)