Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઓપિનિયન પોલમાં ભાજપાની બબ્લે બલ્લે

હરિયાણામાં ભાજપાની બંપર જીતઃ મહારાષ્ટ્રમાં એકલા હાથે બનાવશે સરકાર : એબીબી-સીવોટર

દિલ્હી, તા. ૧૯ : આ વર્ષે લોકસભામાં બંપર જીત મેળવ્યા પછી ભાજપાની લહેરની પરીક્ષા હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં થવાની છે. જોકે ચૂંટણી પહેલા આવી રહેલા ઓપીનીયન પોલનું માનવુ઼ છે કે ભાજપા આ ચૂંટણીઓમાં બહુ સરળતાથી વિપક્ષોના સુપડા સાફ કરીને બંપર જીત મેળવશે. ઉલ્લેખનીય છે કે આ રાજયોમાં અત્યારે ભાજપાની જ સરકાર છે અને ત્યાં ર૧ ઓકટોબરે મતદાન થવાનું છે.

એબીપી ન્યૂઝ સી વોટરના ઓપીનીયન પોલીસ અનુસાર એનડીએનું ગઠબંધન ફરી એકવાર મહારાષ્ટ્રમાં સત્તા પર આવી રહ્યું છે. ઓપીનીયન પોલ અનુસાર ભાજપા મહારાષ્ટ્રમાં બંપર જીત મેળવીને વિપક્ષોના સુપડા સાફ કરનાર છે. જયારે હરિયાણામાં પણ ભાજપાના મનોહરલાલ ખટ્ટર ફરી સતા પર આવે તેમ દેખાય છે.

ઓપીનીયન પોલનું માનીએ તો મહારાષ્ટ્રમાં કુલ ર૮૮ વિધાનસભા બેઠકોમાંથી ભાજપા અને તેના સાથી પક્ષો ૧૯૪ બેઠકો પર જીત મેળવી શકે છે, જયારે કોંગ્રેસ અને તેના સાથીદારોના ખાતામાં ફકત ૮૬ બેઠકો આવતી દેખાય છે. ૮ બેઠકો પર અનય ઉમેદવારો જીતી શકે છે. વોટની ટકાવારીની વાત કરીએ તો ભાજપાને ૪૭, કોંગ્રેસને ૩૯ અને અન્ય પક્ષોને ૧૪ ટકા મત મળવાની શકયતા. મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદ માટે લોકોની પહેલી પસંદ ભાજપાના દેવેન્દ્ર ફડણવીસ છે. ૩પ ટકા લોકો ફડણવીસને, ૭ ટકા લોકો શરદ પવારને અને પ ટકા ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવા ઇચ્છે છે.

હરિયાણાના ઓપીનીયન પોલમાં ભાજપની લહેર ચોખ્ખી દેખાઇ રહી છે. અહીં ભાજપા ૯૦માંથી ૮૩ બેઠકો પર જીત મેળવીને ફરીથી સતા પર આવતી દેખાઇ રહી છે. જયારે પક્ષની અંદરો અંદરની લડાઇ સામે લડી રહેલી કોંગ્રેસ ફકત ૩ બેઠકો જતી શકે છે. જયારે અન્ય પક્ષોને કોંગ્રેસ કરતા વધુ એટલે કે ૪ બેઠક પર જીત મળશે.

હરિયાણામાં કોંગ્રેસને ર૧ ટકા, અન્યને ૩૧ ટકા અને ભાજપાને લગભગ ૪૮ ટકા મત મળી શકે છે. રાજયમાં મનોહરલાલ ખટ્ટર મુખ્ય પ્રધાન તરીકે લોકોની પહેલી પસંદગી છે. ૪૦ ટકા લોકો તેમને ફરીથી મુખ્ય પ્રધાન તરીકે જોવા માંગે છે, જયારે ભૂપેન્દ્રસિંહ હુડા ર૦ ટકા અને દુષ્યંત ચૌટલા ૧૪ ટકા લોકોને પસંદ છે.

(11:46 am IST)