Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

બજેટ પહેલા આવકવેરા સ્લેબમાં નહીં થાય ફેરફાર

કરની આવક ઘટવાથી કર છૂટના નિર્ણયમાં થશે વિલંબ

નવી દિલ્હી તા. ૧૯ :.. આવકવેરામાં રાહત માટે હજુ રાહ જોવી પડશે. સુત્રોનું માનીએ તો સરકાર માટે બજેટ પહેલા તે દિશામાં કોઇ પગલું લેવું શકય નહીં બને પહેલા એવો અંદાજ હતો કે સરકાર બજેટ પહેલા આ મહીને આવકવેરા સ્લેબમાં ફેરફાર કરીને કરદાતાઓની દિવાળી સુધારશે.

સુત્રોએ જણાવ્યું કે અત્યારે નાણા મંત્રાલયના અધિકારીઓની પુરી ટીમ રાજસ્વ વસુલીના કામમાં લાગેલી છે. છેલ્લા ઘણા મહિનાઓથી જીએસટીની આવકમાં થઇ રહેલા ઘટાડાના કારણે અત્યારે આવકવેરામાં છૂટ આપવાનો વિચાર ટાળવામાં આવી રહ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે આવકવેરામાં ફેરફાર માટે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં થયેલ કર વસૂલાતના આંકડાઓની રાહ જોઇ રહી છે. આવક વેરામાં ઘટાડા માટે થયેલ કર વસુલાતના આંકડાઓ અત્યંત જરૂરી છે. આ આંકડાઓ આગામી ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટ સુધીમાં જ તૈયાર થઇ શકશે. સરકારને આશા છે કે નવેમ્બરમાં ટેક્ષ વસુલાતમાં વધારો જોવા મળશે.

આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે જો સરકાર આવકવેરામાં ઘટાડો કરે તો સામાન્ય માણસ પાસે ખર્ચવા માટે વધુ પૈસા હશે. તે આ પૈસાનો ઉપયોગ પોતાની જરૂરીયાત માટે ખર્ચ કરવામાં કરશે. તેનાથી બજારમાં વધુ પૈસા આવશે જે અર્થ વ્યવસ્થાની ગતિ વધારવામાં મદદ કરશે.

ઓગસ્ટ મહિનામાં આવકવેરાની સમિક્ષા માટે બનેલી સમિતિએ પોતાની ભલામણો નાણા પ્રધાનને સોંપી દીધી છે.  ભલામણો મુજબ આવકવેરાના દરેક સ્લેબમાં ઓછામાં ઓછા પ ટકા ઘટાડવાનો પ્રસ્તાવ છે.

(11:29 am IST)