Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

પંજાબમાં ભીષણ ટ્રેન દુર્ઘટના થઇ : ૫૦થી વધુ લોકોના મોત

રાવણદહન જોવા એકત્રિત થયેલા લોકો અકસ્માતનો શિકાર થયાઃ રાવણદહન વખતે ફટાકડાના તીવ્ર અવાજના કારણે ટ્રેનના હોર્ન ન સંભળાતા મોટી દુર્ઘટના સર્જાઈ : મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ આપવા જાહેરાત

ચંદીગઢ, તા. ૧૯: પંજાબના અમૃતસરમાં વિજ્યાદશમીના દિવસે જ એક મોટી ટ્રેન દુર્ઘટના થતાં ઓછામાં ઓછા ૫૦ લોકોના મોત થઇ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નંબર ૨૭ ઉપર થઇ હતી. અકસ્માત થયો ત્યારે જોડા ફાટક ખાતે દશેરાની ઉજવણી ચાલું હતી. રેલવેના અધિકારીઓના કહેવા મુજબ લેવલ ક્રોસિંગ ગેટને બંધ કરવામાં આવ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માત થયો ત્યારે રાવણદહન જોવા માટે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. એજ ગાળામાં ડીએમયુ ટ્રેન નંબર ૭૪૯૪૩ ત્યાંથી પસાર થઇ રહી હતી. રાવણદહનના લીધે ફટાકડાઓના અવાજ આવી રહ્યા હતા જેથી લોકોને ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો જેના લીધે આ દુર્ઘટના થઇ હતી. મળેલી માહિતી મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં દશેરાના અવસર પર રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અહીં રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાવણદહન દરમિયાન ફટાકડાઓના તીવ્ર અવાજ આવી રહ્યા હતા.

પોલીસ, જીઆરપી અને અન્ય ટીમો અકસ્માતની જાણ થતાં તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઇ ગયા છે. તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મદદ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રને યુદ્ધ સ્તર પર બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છે. રાવણદહન વેળા જોડા ફાટકની નજીક એકાએક ભાગદોડ મચી ગઈ હતી જેના લીધે અનેક લોકો ટ્રેકની તરફ દોડ્યા હતા જેથી પઠાણકોટથી અમૃતસર તરફ જતી ટ્રેનની અડફેટે લોકો આવી ગયા હતા. મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. ડીએમયુ ટ્રેન નજીકથી પસાર થઇ રહી હતી અને ગેટ નંબર ૨૭ને બંધ કરવામાં આવ્યો તે દિશામાં દોડ્યા હતા. બચાવ અને રાહતકામગીરી હાથ ધરાયા બાદ લોકો પણ તેમાં જોડાયા હતા. લોકલ ટ્રેન જ્યાં આવી રહી હતી ત્યાં રેલવે લાઈન ઉપર લોકો એકત્રિત થયા હતા. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, ટ્રેન દુર્ઘટના અંગે સમાચાર સાંભળીને ખુબ આઘાત લાગ્યો છે. જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે અધિકારીઓને કહેવામાં આવ્યું છે. રાજ્યની તમામ સંભવિત મદદ કરવાની કેન્દ્ર સરકારે ખાતરી આપી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે પંજાબના ગૃહ સચિવ અને રાજ્યના ડીજીપી સાથે વાતચીત કરી છે. મુખ્યમંત્રી અમરિન્દરસિંહ પણ બચાવ અને રાહત કામગીરીને જોવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. સાથે સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મફત સારવાર આપવાની પણ જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ બનાવ અંગે આઘાત વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધી પોતે પણ કોંગ્રેસના કાર્યકરોને મદદ કરવા માટે કહી ચુક્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ઘટનાસ્થળે રવાના થયા છે.

(11:03 pm IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા, રેલ્વે બોર્ડ પ્રમુખ અશ્વિની લોહાની, ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર વાયુસેનાના વિશેષ વિમાનથી રાત્રે 11 કલાકે અમૃતસર જવા રવાના access_time 10:41 pm IST

  • બેગુસરાયના ભાજપના સાંસદ ભોલાસિંહનું નિધન ; લાંબા સમયથી બીમાર હતા : રામમનોહર લોહિયા હોસ્પિટલમા દાખલ હતા :ભોલાસિંહ લેફ્ટના સમર્થનથી પહેલીવાર બેગુસરાયથી અપક્ષ ચૂંટાયા હતા : access_time 1:17 am IST