Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

કાલે દેશના તમામ ભાગોમાંથી નૈઋત્‍ય ચોમાસાની વિદાયઃ હવામાન ખાતુ

નવી દિલ્હી:હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યનું ચોમાસુ શનિવારે દેશના તમામ ભાગોમાંથી વિદાય લેશે. ભારતીય દ્વીપકલ્પમાં ચોમાસુ બેસવા સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે અને હવે અહીં ઓક્ટોબર-ડિસેમ્બરમાં વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પૂર્વના ચોમાસાને પગલે દક્ષિણ દ્વીપકલ્પમાં કુલ વરસાદનો 30 ટકા હિસ્સો ઓક્ટોબર-ડિસેમ્બર સીઝનમાં આવે છે. ખાસ કરીને તામિલનાડુમાં 48 ટકા વરસાદ ગાળામાં પડે છે.

ઇન્ડિયન મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) ગુરુવારે જણાવ્યું હતું કે, “20 ઓક્ટોબર 2018થી સમગ્ર દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પાછું ખેંચાવા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.” સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પહેલી સપ્ટેમ્બરથી પાછું ખેંચાવાની શરૂઆત થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 70 ટકા વરસાદ જૂન-સપ્ટેમ્બરના ગાળામાં પડે છે. ચાલુ વર્ષે વરસાદ સામાન્ય કરતાં 9 ટકા ઓછો રહ્યો છે.

IMDના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર વરસાદ પાછો ખેંચાવાની પ્રક્રિયા નિર્ધારિત સમયથી લગભગ એક મહિનો મોડી શરૂ થઈ છે અને તેને લીધે એકંદર વરસાદ પર પણ અસર થઈ છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં વરસાદની ઘટ 22 ટકા રહી છે. IMDના નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના હેડ કે સતી દેવીએ જણાવ્યું હતું કે, “વાવાઝોડાના કારણે દેશના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાથી અમે ચોમાસુ પાછું ખેંચાવાની આગાહી કરી શક્યા હતા. જોકે, ૨૦ ઓક્ટોબરથી ચોમાસુ સંપૂર્ણપણે પાછું ખેંચાવાની ધારણા છે.”

નૈઋત્યનું ચોમાસુ પાછું ખેંચાતાંની સાથે દક્ષિણ દ્વીપકલ્પ સિવાય દેશના મોટા ભાગના વિસ્તારોમાં સૂકા હવામાનની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ દ્વીપકલ્પમાં ચાલુ સપ્તાહના અંત ભાગમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. ઉત્તર-પૂર્વ ભારતના અમુક ભાગોમાં આગામી કેટલાક દિવસમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

(6:15 pm IST)