Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ટીડીએસ ડીફોલ્ટરો સામે લાલઆંખઃ ૬૦૦ કંપનીઓ આઈટીના રડારમાં

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની ૪૦૦ જેટલી કંપનીઓની ઓળખ કરવામાં આવીઃ ૧ થી ૭ ટકા જેટલું વ્યાજ વસુલવામાં આવે તેવી શકયતા : આ વર્ષે ટીડીએસ ડિવીઝને ૩૦ સર્વેનો ટાર્ગેટ રાખ્યો છેઃ અત્યાર સુધીમાં ૯૦૦૦ કરોડની ટીડીએસની વસુલાત કરવામાં આવી છેઃ ટાર્ગેટ છે રૂ. ૨૧૦૦૦ કરોડનો

નવી દિલ્હી, તા. ૧૯ :. ટીડીએસ ડીફોલ્ટરો સામે આવકવેરા વિભાગે લાલઆંખ કરી છે અને તેના રડારમાં ૬૦૦ જેટલી કંપનીઓ હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં આવકવેરા વિભાગ ડીફોલ્ટર કંપનીઓ સામે ધોકો પછાડવા સજ્જ થઈ છે અને આ ૬૦૦ જેટલી કંપનીઓ સામે સર્વે હાથ ધરે તેવી શકયતા છે. આ સર્વે ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા સર્વે કરતા ૩૦૦ ટકા વધુ હશે. ટીડીએસ એ છે કે જે કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવ્યો હોય પરંતુ જમા કરવામાં આવ્યો ન હોય. આવી કંપનીઓ સામે પગલા લેવા સીબીડીટીએ આદેશ આપતા હવે આઈટી વિભાગ આ કંપનીઓને ભીંસમાં લેશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતની ૧૦૦ - ૧૦૦ જેટલી કંપનીઓની ઓળખ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૨૦ જેટલા સર્વે પણ હાથ ધરવામાં આવ્યા છે. ગયા વર્ષે વિભાગે ૨૦૯ સર્વે હાથ ધર્યા હતા. ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીના કહેવા મુજબ લોકોના પૈસા કંપનીઓના માલિકોના હાથ પર છે જે અમારે વસુલવાના રહેશે. સીબીડીટીએ ડીફોલ્ટ કંપનીઓ સામે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે. કંપનીઓ ટેકસ ન ભરે તો છેલ્લે કર્મચારીઓએ સહન કરવાનું આવતુ હોય છે. તેમણે ઉમેર્યુ હતુ કે અમને આદેશ મળ્યા છે મોટાપાયે સર્વે હાથ ધરવા અને આવી કંપનીઓ પાસેથી ટીડીએસ વસુલ કરવો.

ઈન્કમટેક્ષના જણાવ્યા પ્રમાણે ટીડીએસ નહી ભરનાર કંપની પાસેથી ૧ થી ૭ ટકા જેટલુ મહિને વ્યાજ વસુલવામાં આવશે. જેમાં પ્રથમ, બીજો અને ત્રીજો તબક્કો હોય છે. આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ટીડીએસનું ૨૧૦૦૦ કરોડનું કલેકશન થવાનો અંદાજ રાખ્યો છે. અત્યાર સુધીમાં ૯૮૬૦ કરોડની વસુલાત થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીડીએસ ડિવીઝનના દરેક ઓફિસરને આ વર્ષે ૩૦ સર્વેનો ટાર્ગેટ અપાયો છે અને આ ૨૦ ઓફિસરો ૬૦૦ જેટલા સર્વેનો ટાર્ગેટ પુરો કરશે.(૨.૨૨)

 

(3:46 pm IST)