Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મુખ્ય પૂજારીએ ૧૦ - ૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં ન આવવા કરી અપીલ

મુખ્ય પૂજારીએ દરેકને મંદિર પરિસરને રણભૂમિ ન બનાવવા અપીલ કરી

તિરૂવનંતપુરમ તા. ૧૯ : કેરળના સબરીમાલા મંદિરમાં સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મહિલાઓના પ્રવેશને લઈને વિવાદ થઈ રહ્યો છે. દરમિયાન મંદિરના મુખ્ય પૂજારી કંદારુ રાજીવારુએ ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને સન્નિધાનમમાં નહીં આવવા અને સમસ્યા ઊભી ન કરવાની અપીલ કરી છે. પૂજા-અર્ચના માટે એક વિશેષ ઉંમરની મહિલાઓએ ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કર્યો હોવાથી મંદિરના તંત્રી પરિવારે દ્વાર બંધ કરવાની યોજના કરી છે, તેવા અહેવાલો હતા. આ અહેવાલોને કંદારૂએ નકાર્યા છે.

ગુરૂવારે પણ કેરળમાં સબરીમાલાને લઈને ટેન્શનનો માહોલ રહ્યો. રાજયમાં કથિત રીતે પોલીસે કફર્યુ લગાવ્યો. મંદિરના મુખ્ય પૂજારી કંદારુ રાજીવારુએ સોશિયલ મીડિયા પર ફેલાયેલી કેટલીક વાતોની સ્પષ્ટતા કરતાં કહ્યું કે, 'માસિક પૂજા અને અનુષ્ઠાન કરવું અમારૃં કર્તવ્ય અને જવાબદારી છે. અમે પરંપરા નહીં તોડીએ. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આદર કરીએ છીએ પરંતુ શ્રદ્ઘાળુઓની લાગણીઓ અને મંદિરની પરંપરા-રીતિ રિવાજ પર વિચાર કરીને તમને (યુવતીઓને) સબરીમાલા મંદિરમાં ન આવવાની વિનંતી કરું છું.'

મુખ્ય પૂજારીએ દરેકને મંદિર પરિસરને રણભૂમિ ન બનાવવા અપીલ કરી છે. તો બીજી તરફ પલક્કડ જિલ્લાના વી.એન. વાસુદેવન નંબૂદરીને સબરીમાલા ભગવાન અયપ્પા મંદિરના મુખ્ય પૂજારી નિમવામાં આવ્યા છે. નંબૂદરીને એક વર્ષ માટે મુખ્ય પૂજારી નિમાયા છે. હાલ તેઓ બેંગલુરૂ અયપ્પા મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે. ચેંગન્નૂરના રહેવાસી એમએન નારાયણ નંબૂદરી મલિકાપ્પુરમ મંદિરના નવા પૂજારી બનશે. બંને પૂજારી ૧૭ નવેમ્બરથી પોતાનો કાર્યભાર સંભાળશે.

ભગવાન અયપ્પાના દર્શન માટે સબરીમાલા પહાડી પર ચડી રહેલી દિલ્હીની એક મહિલા પત્રકારને શ્રદ્ઘાળુઓએ અધવચ્ચેથી પરત ફરવા માટે મજબૂર કરી. ભીડે તેમના પર પથ્થરમારો પણ કર્યો. પોતાના વિદેશી સહકર્મી સાથે મંદિરે જઈ રહેલી મહિલા પત્રકારને અયપ્પા ભકતોના વધતા વિરોધ પ્રદર્શનને કારણે મારક્કોટ્ટમથી જ પાછું આવવું પડ્યું. હાલ પોલીસે ભકતો સામે કેસ નોંધ્યો છે, જેમણે મહિલા પત્રકારને કથિત રીતે પહાડ ચડતાં રોકયા. જો કે પોલીસે મહિલા પત્રકાર અને તેના સહકર્મી આસપાસ ઘેરાવ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે, તેમણે મહિલા પત્રકારને પૂરતી સુરક્ષા આપવાની ખાત્રી આપી તેમ છતાં તેણે આગળ જવાનો ઈનકાર કર્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેરળમાં થયેલી હિંસાની માહિતી મેળવી છે. સૂત્રોના મતે, કેંદ્ર આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ તૈનાત હોવા છતાં દર્શન માટે જઈ રહેલી મહિલાઓને પરત આવવું પડ્યું. પ્રદર્શનકારીઓએ મીડિયા પર પણ હુમલો કર્યો. નિલક્કલના રસ્તે પ્રદર્શનકારીઓએ કેટલીક ચેનલના પત્રકારો અને તેમની ટીમને નિશાન બનાવ્યા. બાદમાં પોલીસે પોતાની ગાડીમાં તેમને સુરક્ષિત બહાર કાઢ્યા. પોલીસે નિલક્કલ અને પંપામાં વિરોધ કરી રહેલા ત્રાવણકોર દેવાસમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સહિત ૫૦ લોકોની અટકાયત કરી.

કેરળમાં હિંસક વિરોધ પ્રદર્શન અને તણાવ વચ્ચે સબરીમાલા મંદિરના દરવાજા બુધવારે ખુલ્યા. દરેક ઉંમરની મહિલાને પ્રવેશના સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ૧૦થી ૫૦ વર્ષની ઉંમરની કોઈપણ મહિલા ભગવાન અયપ્પાના દર્શન ન કરી શકી. મંદિર તરફ જતાં રસ્તાને પ્રદર્શનકારીઓએ રોકયો છે અને મહિલાઓને પરત મોકલાઈ રહી છે. દરમિયાન કેરળના નિલ્લકલ, પંપા, એલ્વાકુલમ, સન્નિધનમમાં કલમ ૧૪૪ લગાવાઈ છે. આ વિસ્તારમાં એકસાથે ૪થી વધુ લોકો એકઠા ન થઈ શકે.

(3:29 pm IST)