Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

શ્રધ્ધાળુઓના પ્રચંડ વિરોધના કારણે બે મહિલા સબરીમાલા મંદિરમાં પ્રવેશી શકી નહીં

દેખાવકારોના દબાણના કારણે પોલીસને પણ પીછેહઠ કરવી પડી હતી

સબરીમાલા તા. ૧૯ : સુપ્રીમ કોર્ટના આદેશ અને કડક પોલીસ બંદોબસ્ત છતાં સબરીમાલા મંદિરમાં પ્રવેશ મેળવવાની બે મહિલાઓની કોશિશ નાકામિયાબ રહી છે. પોલીસે આ બે મહિલાઓને હેલ્મેટ પહેરાવીને મંદિર તરફ લઇ જવા છતાં દેખાવકારોના દબાણના કારણે પોલીસને પણ પીછેહઠ કરવી પડી હતી અને બંને મહિલાઓને પરત જવું પડ્યું હતું.

કેરળ સરકારે પણ એવું નિવેદન જારી કરી જણાવ્યું છે કે મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશ માટે મંજૂરી છે, પરંતુ કેટલાક એકિટવિસ્ટ પણ ઘૂસવાની કોશિશમાં હતા. સરકારે જણાવ્યું છે કે અમે એકિટવિસ્ટને મંજૂરી આપી શકીએ નહીં. આજે જે બે મહિલાઓ સબરીમાલા મંદિરના એન્ટ્રી પોઇન્ટ સુધી પહોંચીને પરત ફરી છે તેમાં એક એકિટવિસ્ટનો પણ સમાવેશ થાય છે.

કેરળ સરકાર અને પોલીસતંત્ર સબરીમાલા સાથે અડિંગો જમાવીનેે બેઠેલા દેખાવકારો સામે નિઃસહાય બની ગઇ હતી. આ બે મહિલાઓમાં મોજો ટીવીની પત્રકાર કવિતા જક્કલ અને એકિટવિસ્ટ રેહાના ફાતિમાનો સમાવેશ થતો હતો અને બંનેને પરત જવું પડ્યું હતું.

સબરીમાલાના કપાટ ખૂલ્યાંને ત્રણ દિવસ થયા હોવા છતાં મંદિરમાં હજુ મહિલાઓનો પ્રવેશ થઇ શકયો નથી. છેલ્લા ત્રણ દિવસથી હિંદુ સંગઠનો દ્વારા મંદિરમાં મહિલાઓના પ્રવેશને અટકાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મંદિરની આસપાસ સતત હિંસાનો માહોલ બનેલો છે.

આજે પણ મંદિરની બહાર નારાબાજી અને હોબાળા વચ્ચે ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે પોલીસ બે મહિલાઓને હેલ્મેટ પહેરાવીને મંદિર તરફ લઇ જઇ રહી છે. બંને મહિલાઓ મંદિરની માત્ર બે કિ.મી. દૂર છે, તેમાં એક પત્રકારનો પણ સમાવેશ થાય છે.

પોલીસ તેમને હેલ્મેટ પહેરાવીને કડક સુરક્ષા વચ્ચે આગળ લઇ જઇ રહી છે. આ દરમિયાન કેટલાય દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે. આજે સવારે કોચીની મહિલાના ઘરે દેખાવકારોએ હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી.

સબરીમાલા મંદિર તરફ આગળ વધી રહેલી બે મહિલાઓને ૧પ૦ પોલીસકર્મીઓ સુરક્ષા આપી રહ્યા છે તેમ છતાં શ્રદ્ઘાળુઓ તેમનો રસ્તો રોકી રહ્યા છે. આઇજી શ્રીજીતે જણાવ્યું હતું કે અમે વરદીમાં તમને રોકવા કે હટાવવા માટે નથી આવ્યા, અમે પણ ભગવાન અયૈપાના ભકત છીએ, પરંતુ સાથે સાથે કાયદાના રક્ષણ માટે પણ છીએ.

(3:27 pm IST)