Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમીર-ગરીબ વચ્ચેની ખાઈ વધીઃ ૯૧ ટકા લોકોની વાર્ષિક આવક ૭.૩૦ લાખથી ઓછી

વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર એવા ભારતમાં અસંતુલિત વિકાસ જોવા મળે છેઃ ભારતમાં મોટા ભાગની વસ્તી નિમ્ન સંપત્તિવાળી શ્રેણીમાં: સંપત્તિના બેહદ અસમાન વિતરણ અને મોટી વસ્તીને કારણે ધનાઢયોની સંખ્યા પણ ઉંચી છેઃ ભારતમાં સૌથી વધુ મહિલા અબજપતિઓઃ ૨૦૨૩ સુધીમાં અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતા ૫૩ ટકાથી ઉપર જશેઃ દેશમાં એક વર્ષમાં કરોડોપતિઓની સંખ્યા ૭૩૦૦ વધી

નવી દિલ્હી, તા. ૧૯ :. નાણાકીય સેવા કંપની ક્રેડીટ સુઈસના એક છેલ્લા અભ્યાસમાં વિશ્વની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા ભારતમાં અસંતુલિત વિકાસને દર્શાવે છે. જયારે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધી રહી છે. ૯૧ ટકા ભારતીય લોકોની સંપત્તિ રૂ. ૭.૩૦ લાખ કરતા પણ ઓછી છે. અતિ ધનાઢય લોકોની સંખ્યાના હિસાબથી ભારતનું વિશ્વમાં ૬ઠ્ઠુ સ્થાન છે. આમા એવા લોકો સામેલ છે. જેમની સંપત્તિ ૫ કરોડ ડોલરથી વધુ છે પરંતુ ભારત એવા દેશોમાં સામેલ છે જ્યારે ૧૦,૦૦૦ ડોલર એટલે કે ૭.૩૦ લાખથી ઓછી સંપત્તિવાળા વયસ્કની વસ્તી સૌથી વધુ છે. જ્યાં સુધી સંપત્તિના વિતરણનો સવાલ છે તો ભારતની ૯૦ ટકાથી વધુ વસ્તી આ નિમ્નવર્ગમાં છે આની તુલનામાં ચીન એક તૃતિયાંશ અને અમેરિકામાં ફકત ૨૮.૪ ટકા વયસ્ક વસ્તી જ આ વર્ગમાં સામેલ છે.

ક્રેડીટ સુઈસ ગ્લોબલ વેલ્થ રીપોર્ટ ૨૦૧૮ અનુસાર ભારતમાં મોટા ભાગની વસ્તી નિમ્ન સંપત્તિવાળી શ્રેણીમાં છે પરંતુ સંપત્તિના બેહદ અસમાન વિતરણ અને મોટી વસ્તીના કારણે ભારતમાં ધનકુબેરોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. ભારતમાં પ્રતિ વયસ્ક વ્યકિતની સરેરાશ સંપત્તિ ૭૦૨૦ ડોલર છે. જ્યારે પ્રતિ વયસ્ક મધ્યમ સંપત્તિ ફકત ૧૨૮૯ ડોલર છે. ભારતમાં વયસ્કોની વસ્તી ૮૫ કરોડ છે જ્યારે ચીનમાં આ વર્ગની વસ્તી ૧૦૮.૫ કરોડ છે. જો કે ચીનમાં પ્રતિ વ્યકિતની સરેરાશ સંપત્તિ ૪૭૮૧૦ ડોલર છે.

જૂન ૨૦૧૭થી જૂન ૨૦૧૮ દરમિયાન ભારતની સંપત્તિ ૨.૬ ટકા વધીને ૬ લાખ કરોડ ડોલર સુધી પહોંચી છે. બીજી તરફ દુનિયાની સંપત્તિ ૪.૬ ટકા એટલે કે ૧૪ લાખ કરોડ ડોલર વધીને ૩૧૭ લાખ કરોડ ડોલર પહોંચી છે. ભારતની ધીમી વિકાસ દર રૂપિયામાં આવેલો ઘટાડો છે. આ દરમિયાન રૂપિયો ડોલર સામે ૬ ટકા તૂટયો છે. ક્રેડીટ સુઈસના જણાવ્યા પ્રમાણે ભારતના લોકોની લગભગ ૯૦ ટકા સંપત્તિ જમીન-મકાન અને સ્થાવર મિલ્કતમાં છે તેથી ભારતમાં મકાનની કિંમતમાં તેજીને સંપત્તિમાં વધારાના સ્વરૂપમાં જોવામા આવે છે.૨૦૨૩ સુધીમાં ભારતની સંપત્તિ ૮ ટકાના વાર્ષિક દરથી વધીને ૮.૮ લાખ કરોડ થવાની શકયતા છે. ભારતમાં ૧૦ લાખ ડોલર કે તેથી વધુની સંપત્તિ ધરાવતા ધનાઢયોની સંખ્યા આવતા પાંચ વર્ષમાં ૯ ટકાના વાર્ષિક દરથી વધીને ૫૨૬૦૦૦ પહોંચવાનું અનુમાન છે. છેલ્લા ૧૨ મહિનામાં આવા ધનાઢયોની સંખ્યા ૭૩૦૦થી વધીને ૩૪૩૦૦૦ પહોંચી છે. દેશમાં ૩૪૦૦ લોકોની સંપત્તિ ૫ કરોડ ડોલરથી વધુ છે. આ મામલામાં ભારત અમેરિકા, ચીન, જર્મની, બ્રિટન અને જાપાન બાદ છઠ્ઠા ક્રમે છે.

રીપોર્ટ અનુસાર મોટી અર્થ વ્યવસ્થાઓમાં ભારત સૌથ વધુ મહિલા અબજપતિઓનો દેશ છે. દુનિયાના ૧૮.૬ ટકા મહિલા અબજપતિઓ ભારતમાં છે, પરંતુ દેશમાં સંપત્તિમાં મહિલાઓની ભાગીદારી ૨૦ થી ૩૦ ટકાની વચ્ચે છે જ્યારે વૈશ્વિક સરેરાશ ૪૦ ટકા છે.

ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ સતત વધી રહી છે. જુલાઈ ૨૦૧૭થી જૂન ૨૦૧૮ સુધીમાં દેશમાં કરોડપતિઓની સંખ્યા ૭૩૦૦ વધી છે. જેનો આંકડો ૩.૪૩ લાખ થયો છે. આ કરોડપતિઓ પાસે ૪૪૪ લાખ કરોડ રૂપિયા છે. જો કે દેશમાં પ્રતિ વ્યકિતની સંપત્તિ ૭૦૨૦ ડોલર છે. જેનુ મુખ્ય કારણ રૂપિયો છે. રીપોર્ટ અનુસાર ૨૦૨૩ સુધીમાં ભારતમાં ધનાઢયોની સંખ્યા અને ગરીબ-અમીરનું ફર્મ વધશે. એ સમય સુધીની વચ્ચે અસમાનતા ૫૩ ટકાથી ઉપર વધવાની છે. દેશમાં આવા અમીરોની સંખ્યા ૫૨૬૦૦૦ હશે જે ૮૮૦૦ અબજ ડોલરની સંપત્તિના માલિક છે તથા અમીર-ગરીબની ખાઈ ૫૩ ટકા વધુ ઉંડી થશે.(૨-૪)

(11:42 am IST)