Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રખડતાં ઢોરના કારણે દીકરાએ ગુમાવી યાદશકિત : પિતાએ માગ્યુ ૩૦ લાખનું વળતર

રખડતાં ઢોર સાથે બાઇકની ટક્કર થઇ'તી

ચંદીગઢ તા. ૧૯ : રસ્તે રખડતાં ઢોરો દ્વારા એકસ્માત સર્જવાની ઘટનામાં એક વ્યકિતએ ૩૦ લાખના વળતરની માગણી સાથે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી. જે બાદ હવે પંજાબ સરકાર અને પંજાબ ગૌ-સેવા કમિશનને કોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.

પંજાબના સમાનામાં રહેતા હકમ સિંહના ૨૫ વર્ષીય દીકરો હરિન્દર પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રસ્તે રખડતાં ઢોર સાથે અકસ્માત બાદ પોતાની યાદશકિત ગુમાવી બેઠો હતો. જેથી હવે વળતર મેળવવા માટે હકમ સિંહે હાઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

હરીન્દરે ITI ડિપ્લોમામાંથી ઈલેકિટ્રશિયનની ડિગ્રી મેળવેલ છે. પાછલા વર્ષે ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૧૭એ રખડતા ઢોર અચાનક રોડ પર આવી જતા તેના બાઈક સાથે ટકરાયા હતા. જેમાં તે નીચે પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો જયાં તેની સર્જરી પણ કરાઈ.

દીકરાને ફરીથી સાજો કરવા માટે પિતા હકમ સિંહે અંદાજિત ૨ લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો. પરંતુ હરિન્દર પોતાની બધી યાદશકિત ગુમાવી બેઠો છે. ડોકટર્સના કહેવા મુજબ તેની સ્થિતિમાં સુધારાની કોઈ આશા નથી. ઘટનાની ગંભીરતા સમજીને હાઈ કોર્ટના જજ જસ્ટીસ રાજન ગુપ્તાએ જાણ્યું કે પંજાબ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જ રખડતા ઢોર આરામથી ફરી રહ્યા છે, જેના કારણે અકસ્માતની ઘટના બને છે અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડે છે.

(9:55 am IST)