Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ટેકાનાં ભાવ વધવા છતાં નારાજ કેમ છે ખેડૂતો?

શું જાહેરાતો કરવાથી જ ખેડૂતોનું ભલુ થશે?

નવી દિલ્હી તા.૧૯: ખરીફ પાક હવે બજારમાં આવવા લાગ્યા છે. સરકારે થોડા સમય પહેલાં જ આ પાક માટે નવા એમએસપીની જાહેરાત કરી છે. સરકારનો દાવો છે કે આ એમએસપી પડતરથી દોઢ ગણી છે. જો કે ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતોનું માનીએ તો તેમને આનો પુરો ફાયદો નથી મળી રહયો. એમએસપી વધવા છતાં તેમને પોતાનો પાક ઓછા ભાવે વેચવો પડે છે.

જય કિસાન આંદોલનના સંયોજક અવિક સાહાનું માનવું છે કે ખાલી એમએસપી જાહેર કરી દેવાથી દેશના એકપણ ખેડૂતનું ભલંુ નહીં થાય. સરકારે ખેડૂતનો પુરેપુરો પાક ખરીદવો પડશે, તોજ તેને વધેલા ભાવનો લાભ મળશે.

સરકારે ખરીફ સીઝન માટે ચણાના એમએસપી ૫૬૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલ નક્કી કર્યા છે, પણ ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેડૂતોને બજારમાં ૪૦૮૦ રૂપિયાથી વધારે ભાવ નથી મળી રહયો. આજ રીતે મગનો ભાવ ૬૯૭૫ નક્કી થયો છે. પણ યુપીના ખેડૂતોને તેનો ભાવ ૪૯૩૩ થી વધારે નથી મળતો. મકાઇની એમએસપી ૧૭૦૦ રૂપિયા છે પણ બજારમાં તેના ૧૩૧૭ રૂપિયા જ મળે છે.

સ્વરાજ આંદોલનના આશુતોષનું કહેવું છે કે સરકારે ખેડૂતોનો આખેઆખો પાક ખરીદવો જોઇએ. પણ સરકાર પાસે સંગ્રહ કરવાની સગવડ નથી એટલે તે ખરીદીની ઝંઝટમાં પડવા નથી માંગતી. દેશના મોટાભાગના ખેડૂતો લોન લઇને ખેતી કરે છે. અને તે લોકો પોતાના પાક વધારે સમય સુધી રોકી નથી શકતા. એટલે તેમને પોતાના પાક  ગમે તે ભાવે વેંચી નાખવા પડે છે. અવિક સાહા અનુસાર, સરકારે પડતર કિંમત નક્કી કરવામાં જમીનની કિંમતને નજર અંદાજ કરી છે, જયારે સ્વામીનાથન સમિતિએ તેની પણ ભલામણ કરી હતી. તેનું કહેવું છે કે સરકારે પહેલા સ્વામીનાથન સમિતિની ભલામણો અનુસાર ખેતીની દરેક પડતરને ગણતરીમાં લઇને પછી એમએસપી જાહેર કરવી જોઇએ. દેશના દરેક રાજયમાં એક તૃતિયાંશ પાકની ખરીદી જ થતી હોય ત્યારે ખેડૂતોને એમએસપીનો લાભ કેવી રીતે મળી શકે.

(9:52 am IST)