Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

કોંગ્રેસની ફેસબુક એડ તેમજ આઝાદના નિવેદનથી વિવાદ

કોંગ્રેસ પાર્ટી હિન્દુઓનું અપમાન કરે છે : ભાજપ : મોદી સરકાર બન્યા બાદથી ભયનો માહોલ છે : ભાજપના હિન્દુ ઉમેદવાર પ્રચારમાં મોદીને બોલાવતા નથી : આઝાદ

નવી દિલ્હી, તા. ૧૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ફેસબુક એડ અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના હિન્દુ નિવેદન ઉપર કોંગ્રેસ અને ભાજપમાં ઘમસાણની સ્થિતિ રહેલી છે. ભાજપે કોંગ્રેસ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પાકિસ્તાનમાં જાહેરાત આપીને અભિયાન ચલાવવાનો આક્ષેપ કર્યો છે. આની સાથે સાથે ભાજપે ગુલામ નબી આઝાદના નિવેદનને લઇને પણ ઝાટકણી કાઢી છે. આઝાદે એનડીએ સરકારની ટિકા કરતા કહ્યું છે કે, ચાર વર્ષમાં માહોલ એટલો ખરાબ થયો છે કે, હવે હિન્દુ લોકો પણ ચૂંટણી પ્રચાર કરવા માટે તેમને બોલાવતા નથી. ભાજપે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હિન્દુઓનું સતત અપમાન કરે છે. ભાજપ આઈટી સેલના વડા અમિલ મલવિય દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી બિનજરૂરી હોબાળો મચાવી રહી છે. માલવિય દ્વારા આજે એક વિડિયો ટ્વિટ કરીને નવી ચર્ચા જગાવી હતી. આ વિડિયો કોંગ્રેસના ફેસબુક ઉપર ચાલી રહેલી એડ કેમ્પેઇનના સંદર્ભમાં છે. આ વિડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના ફેસબુક પેજ પર દેશ બચાવો, મોદી હટાવો નામની એક એડ પાકિસ્તાનમાં પણ ચાલી રહી છે. ત્યારબાદ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. પાત્રાએ કહ્યું હતું કે, અમિત માલવિય દ્વારા ટ્વિટ કરીને વિડિયોના સ્ક્રીનશોટ દર્શાવવામાં આવ્યા છે જેમાં જાણવા મળે છે કે, કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાનમાં ભારતની સામે જાહેરાત કરી રહી છે. ભારતની સામે આક્ષેપબાજી કરી રહી છે. ભારત એક લોકશાહી દેશ છે. મોદીની સામે ભાજપની સામે પોતાના દેશમાં એડ આપી શકાય છે પરંતુ પૈસા ખર્ચ કરીને પાકિસ્તાનમાં પોતાના દેશના લોકપ્રિય વડાપ્રધાનની સામે ઝુંબેશ ચલાવવામાં આવે તે યોગ્ય દેખાતું નથી. કોંગ્રેસના ફેસબુક પેજના ઇન્ફોએન્ડએડ સેક્શનમાં જવાની સ્થિતિમાં આ વિકલ્પ દેખાતો નથી.

(12:00 am IST)