Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રામ મંદિર માટે કાનૂન લાવવા કોણ રોકે છે : ઓવૈસીનો પ્રશ્ન

ભાગવતના નિવેદન બાદ ઓવૈસીની પ્રતિક્રિયા : સંઘ-ભાજપ કાયદાઓના શાસનમાં વિશ્વાસ રાખતા નથી

હૈદરાબાદ, તા. ૧૮ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે કાયદો લાવવાના નિવેદનને લઇને આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ચુક્યો છે. જુદા જુદા પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેમના નિવેદન ઉપર ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અને સાંસદ અસાસુદ્દીન ઓવૈસીએ આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું છે કે, આરએસએસ અને તેમની સરકારને કાનૂન બનાવવાથી કોણ રોકે છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ અને સંઘ બહુમતિવાદમાં વિશ્વાસ રાખતા નથી. તેઓ સર્વસત્તાવાદમાં વિશ્વાસ રાખે છે. ઓવૈસીએ કહ્યું હતું કે, તેમને સરકાર પર વિશ્વાસ નથી. મોહન ભાગવતે આજે નાગપુર સ્થિત પોતાના વડામથકમાં વિજ્યાદશમીના પ્રસંગે નિવેદન કર્યું હતું જેમાં રામ મંદિર નિર્માણ માટે કાનૂન લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મંદિર નિર્માણ મુદ્દો ચાલી રહેલી રાજનીતિના પરિણામ સ્વરુપે મંદિર નિર્માણમાં વિલંબ થઇ રહ્યો છે. મંદિર નિર્માણ પર ચાલી રહેલી રાજનીતિ વહેલીતકે પૂર્ણ થાય તેવી વાત પણ ભાગવતે કરી હતી અને ઉમેર્યું હતું કે, જરૂર પડે તો સરકાર આના માટે કાનૂન બનાવી શકે છે. સંઘ પ્રમુખે કહ્યું હતું કે, બાબરે રામમંદિરને તોડી પાડ્યું હોવાના પુરાવા મળી ચુક્યા છે. ઓવૈસીએ વળતા પ્રહાર કરતા કહ્યું હતું કે, સરકાર અને સંઘને કોઇ રોકી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સંઘ અને ભાજપ કાયદાના શાસનમાં વિશ્વાસ રાખતા નથી. તેઓ કાયદાની અવગણના કરી રહ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહી દીધું છે કે, કોઇ એક ધર્મને લઇને ખાસ કાનૂન બનાવી શકાય નહીં. તે આર્ટીકલ ૧૪ના ભંગ સમાન છે છતાં પણ જો કાયદા બનાવવાની ઇચ્છા છે તો સરકાર કાયદો બનાવી શકે છે. સરકારને કોણ રોકે છે. ઓવૈસીએ મોદી સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ઓવૈસી પ્રતિક્રિયા આપવામાં સૌથી આગળ આવ્યા છે. અગાઉ પણ ઓવૈસી વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જાણીતા રહ્યા છે.

(12:00 am IST)