Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

IPL 2020ના પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે ચેન્નાઈ સુપરકિંગ્સે હરાવ્યું: ધોનીની ટીમનો શાનદાર વિજય ::રાયુડુ અને ડુ પ્લેસીસે ફટકારી ફિફટી

જાડેજાએ એક ઓવરમાં 2 વિકેટ લીધી : અંતિમ ઓવરના 4 બોલ બાકી રાખીને ચેન્નાઈએ પોતાની જીત મેળવી

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020 ની સીઝન નું આજે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે અદભૂત રીતે ઉદ્ધાટન કરાયું હતું, સીઝનની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ધોનીની ટીમે શાનદાર જીત નોંધાવી હતી.

આ મેચમાં અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સને 5 ચેન્નાઈએ વિકેટે હરાવ્યું છે. અંતિમ ઓવરના 4 બોલ બાકી રાખીને ચેન્નાઈએ પોતાની જીત મેળવી છે. અંબાતી રાયુડુએ IPL  કરિયરની 19મો ફિફટી ફટકારતા સર્વાધિક 71 રન કર્યા હતા. જયારે ફાફ ડુ પ્લેસીસે પણ ફિફટી મારી હતી. તેણે અણનમ 58 રન કર્યા હતા. તેમજ છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા સેમ કરને 6 બોલમાં 18 રન કરીને અંતે મેચમાં માત્ર ઔપચારિકતા બાકી રાખી હતી.

શેન વોટ્સન 4 રને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં LBW થયો હતો.મુરલી વિજય જેમ્સ પેટિન્સનની બોલિંગમાં LBW થયો હતો. તેણે 7 બોલમાં 1 રન કર્યો હતો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે, બોલ લેગ-સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો. જો કે વિજયે DRSનો ઉપયોગ કર્યો નહોતો.

મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપરકિંગ્સને IPL 2020ની  પહેલી મેચમાં અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 162 રન કર્યા. તેમના માટે સૌરભ તિવારીએ સર્વાધિક 42 રન કર્યા હતા. જયારે કવિન્ટન ડી કોકે 33 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહોતો. ચેન્નાઇ માટે લુંગી ગિડીએ 3 વિકેટ, જયારે રવિન્દ્ર જાડેજા અને દિપક ચહરે 2-2 વિકેટ લીધી.હતી

કૃણાલ પંડ્યા 3 રને લુંગી ગિડીની બોલિંગમાં ડાઉન ધ લેગ ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી કાયરન પોલાર્ડ ગિડીની બોલિંગમાં વિકેટકીપર ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 14 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 18 રન કર્યા હતા. જેમ્સ પેટિન્સન 11 રને  ગિડીની બોલિંગમાં લોન્ગ-ઓન પર ડુ પ્લેસીસના હાથે કેચ આઉટ થયો હતો. ગિડીએ 4 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ લીધી.હતી 

હાર્દિક પંડ્યા જાડેજાની બોલિંગમાં ડુ પ્લેસીસના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 10 બોલમાં 2 સિક્સની મદદથી 14 રન કર્યા હતા. ડુ પ્લેસીસે બાઉન્ડ્રી પર બેલેન્સ જાળવતા શાનદાર કેચ કર્યો હતો.તે પહેલાં સૌરભ તિવારી પણ જાડેજાની બોલિંગમાં લોન્ગ-ઓન પર ડુ પ્લેસીસના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 42 રન કર્યા હતા.

સૂર્યકુમાર યાદવ દિપક ચહરની બોલિંગમાં લોન્ગ-ઓન પર સેમ કરનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 2 ફોરની મદદથી 17 રન કર્યા હતા.તે પછી હાર્દિકે જાડેજાએ નાખેલી મેચની 12મી ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલે સિક્સ મારીને મેચનું મોમેન્ટમ મુંબઈ તરફ ફેરવ્યું હતું.તેણે પાંચમા બોલે ડીપ મિડવિકેટ પર સિક્સ મારીને ખાતું ખોલ્યું અને પછી અંતિમ બોલે સ્કવેર લેગ પર સિક્સ ફટકારી.

 

 

(12:02 am IST)