Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સરકારનું દેવું વધીને ૧૦૧.૩ લાખ કરોડ થયું

નાણા મંત્રાલયનો રિપોર્ટ : માર્ચ ૨૦૨૦ સુધી દેવું ૯૪.૬ લાખ કરોડ હતું : કોરોના પછી વધતુ જ ગયું : સરકારનું દેવું ૬ રિલાયન્સ કંપની જેટલું

નવી દિલ્હી તા. ૧૯ : આ વર્ષના જૂન માસની આખર સુધીમાં કેન્દ્ર સરકાર પરનું દેવું વધીને ૧૦૧.૩ લાખ કરોડ રૂપિયા સુધીનું થઇ ગયું હોવાની ચોંકાવનારી માહિતી ખુદ નાણાં ખાતાના એક રિપોર્ટમાં જણાવવામાં આવી હતી. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની માર્કેટ કેપ કરતાં છ ગણું દેવું થવા જાય છે.સરકારનું કુલ ઋણ જૂન ૨૦૨૦ના અંત સુધી વધીને ૧૦૧.૩ લાખ કરોડ સુધી પહોંચી ગયું. આ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના માર્કેટ કેપથી છ ગણા કરતા પણ વધારે છે.

રિલાયન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલમાં ૧૬ લાખ કરોડ રૂપિયા હતું. આ પહેલા માર્ચ ૨૦૨૦ના અંતમાં સરકારનું કુલ ઋણ ૯૪.૬ લાખ કરોડ રૂપિયા હતું. સાર્વજનિક ઋણ પર જાહેર કરાયેલા નવા રિપોર્ટમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે.વર્ષ પહેલા એટલે કે જૂન ૨૦૧૯ના અંતમાં સરકાર પર કુલ ઋણ ૮૮.૧૮ લાખ કરોડ રૂપિયા હતું. સાર્વજનિક ઋણ પ્રબંધનની શુક્રવારે જાહેર કરાયેલ ત્રિમાસિક રિપોર્ટ અનુસાર જૂન ૨૦૨૦ના અંતમાં સરકારના કુલ બાકીમાં સાર્વજનિક ઋણનો ભાગ ૯૧.૧ ટકા હતો.

રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે બાકીની સિકયોરિટીઝના લગભગ ૨૮.૬ ટકાની પરિપકતાનનો બાકી સમય પાંચ વર્ષ કરતા પણ ઓછો રહ્યો છે. રિપોર્ટિંગ સમય સુધીમાં તેમાં વેપારી બેંકોનો ભાગ ૩૯ ટકા અને વીમા કંપનીઓની ભાગેદારી ૨૬.૨ ટકા હતી. કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક દરમિયાન ૩,૪૬,૦૦૦ કરોડ રૂપિયાની સિકયોરિટીઝ જાહેર કરી, જયારે એક વર્ષ પહેલા આ સમયમાં ૨,૨૧,૦૦૦ કરોડ રૂપિયા સિકયોરિટીઝ જાહેર કરવામાં આવી હતી.કોરોનાએ અર્થતંત્રના તમામ આયોજનો પર પાણી ફેરવી દીધું હતું અને સરકારી (સાર્વજનિક ) દેવું વધી ગયું હતું.

સાર્વજનિક ઋણ મેનેજમેન્ટ સેલ (PDMC)ના આંકડા અનુસાર ગત નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં નવા ઇશ્યુની ટકાવારી ભારે પરિપકવતા ૧૬.૮૭ વર્ષ હતી, જે હવે ઘટીને ૧૪.૬૧ વર્ષ પર આવી ગઇ. જયારે કેન્દ્ર સરકારે એપ્રિલ-જૂન ૨૦૨૦ના દરમિયાન કેસ મેનેજમેન્ટ બિલ જાહેર કરી ૮૦,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરાયાં.

(3:36 pm IST)