Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ટોયોટા કંપની ઉંચા ટેકસના કારણે ભારતમાં પોતાનું વિસ્તરણ અટકાવવાના મૂડમાં

૨૮% ના બદલે ૧૮% ટેકસ કરવા કંપનીની માંગ ઓટો ઉત્પાદકો રોયલ્ટી સહિતના ખર્ચમાં કાપ મૂકેઃ નાણા મંત્રાલય

નવી દિલ્હી, તા.૧૯: ટોયોટા કંપની ઊંચા ટેકસના કારણે દેશમાં પોતાનું વિસ્તરણ અટકાવશે એવા અહેવાલો બાદ નાણા મંત્રાલયના એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે ઓટો ઉત્પાદકોએ કિંમત ઘટાડવા માટે કરવેરામાં રાહત માગવાના બદલે વિદેશી ભાગીદારોને રોયલ્ટી ચૂકવણી ઘટાડવી જોઇએ.

કોરોનાની મહામારીના પરિણામે ઓગસ્ટ સુધી પાંચ મહિનામાં પ્રવાસી વાહનોના વેચાણમાં ૫૦ ટકાનો ઘટાડો થતાં ઓટો ઉત્પાદકોએ કરવેરા દ્યટાડવા માટે સરકારમાં લોબિંગ કર્યુ છે. પરંતુ મંગળવારે વિશ્વની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની ટોયોટા મોટર્સ કોર્પોરેશને એક નિવેદન કરીને જણાવ્યું હતું કે તે ભારતીય બજારને પ્રતિબદ્ઘ છે. તેના સ્થાનિક એકમના સિનિયર એકિઝકયુટીવે હવે ટોયોટા કંપની જો કરવેરા ઊંચા રહેશે તો દેશમાં વધુ વિસ્તરણ કરશે નહીં એવું જણાવ્યા બાદ ટોયોટા મોટર્સ કોર્પોરેશને આ નિવેદન કર્યુ હતું.

જાપાનીઝ ઓટો ઉત્પાદક ટોયોટોએ એક બીજું નિવેદન એવું કર્યુ છે કે તે આગામી દિવસમાં ભારતમાં ૨૭૨ મિલીયન ડોલર્સ કરતાં વધુ રકમનું મૂડીરોકાણ કરવા માગે છે. ભારતમાં વેચાણ કરવામાં આવતી કાર પર ૨૮ ટકા જેટલા ઊંચા કરવેરા છે અને વધારાના કરવેરા ધ્યાનમાં લેવામાં આવે તો કેટલાક મોડલ પર ૫૦ ટકા જેટલો ટેકસ વસુલવામાં આવે છે. ધ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ દ્વારા સરકારને કાર, મોટરબાઇક અને બસ પર ટેકસ ઘટાડીને ૧૮ ટકા કરવા અનુરોધ કર્યો છે. સાથે સાથે એવી પણ ચેતવણી આપી છે કે ૨૦૧૮ના સર્વોચ્ચ સ્તરે પહોંચતાં ૩થી ૪ વર્ષ લાગશે. કેન્દ્રીય વાણિજય પ્રધાન પિયુષ ગોયલે દેશમાં ઓટો ઉત્પાદકોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે તેમણે વિદેશી પેરેન્ટ કંપનીઓને રોયલ્ટી પેમેન્ટ ઘટાડવાના ઉપાય શોધી કાઢવા જોઇએ. મારૂતિ સુઝૂકીએ ૩૧, માર્ચના રોજ સમાપ્ત થતાં નાણાકીય વર્ષમાં પોતાની જાપાની પેરેન્ટ કંપની સઝૂકી મોટરને રૂ.૩૮૨૦ કરોડની રોયલ્ટી ચૂકવી હતી. જયારે ટોયોટાએ પોતાની પેરેન્ટ કંપનીને ૮૮ મિલિયન ડોલર રોયલ્ટી તરીકે ચૂકવી હતી.

(3:35 pm IST)