Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કોરોના સામે સાવચેતીના ભાગરૂપે

પેરાસીટામોલ તથા એન્ટી કોલ્ડ દવાઓનો વપરાશ વધ્યોઃ વેચાણમાં રપ%નો વધારો

જોધપુરમાં તો તાવ ઉતારવા માટેની દવાનું વેચાણ બે ગણું થઇ ગયું ! અમુક રાજયોમાં પેરાસીટામોલ ઉપર થોડો અંકુશ પણ છે : ડોકટર્સ પણ ફોન, વોટસએપ તથા વિડીયો કોલીંગ દ્વારા ઇલાજ કરવા લાગ્યાઃ લોકો ઘરમાં પણ દવા રાખવા લાગ્યા

રાજકોટ તા. ૧૮ :.. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોનાં (કોવીડ-૧૯) એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. લાખો લોકો આ મહામારીને કારણે મૃત્યુ પામ્યા છે તથા કરોડો લોકો કોરોનાગ્રસ્ત થયા છે. ભારતમાં કોરોનાના કેસોમાં પણ સતત વધારો થતો જાય છે.

આ બધા પરિબળો વચ્ચે કોરોના સામે સાવચેતીના ભાગરૂપે સામાન્ય તાવ માટેની પેરાસીટામોલ ટેબલેટ (મેટાસીન, ક્રોસીન, કાલ્પોલ વિગેરે) તથા સામાન્ય શરદી માટેની એન્ટી કોલ્ડ ટેબલેટ (લેમોલેટ, લેમોસન, ડાયોમિનિક ડીસીએ વિગેરે) નો વપરાશ વધ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. વિવિધ મેડીકલ સ્ટોર્સ ઉપર કોરોના - લોકડાઉન-અનલોક દરમ્યાન બંને દવાઓનું વેચાણ અંદાજે રપ ટકા જેટલું વધ્યું હોવાનું કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

દવા બજારમાંથી જાણવા મળતી માહિતી મુજબ કોરોના, ઇન્ફેકશનનો ભય, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના કારણોને લીધે લોકો હવે સામાન્ય બિમારી જેવી કે તાવ, કળતર, શરદી, ઉધરસ વિગેરે માટે ડોકટર્સના કલીનિક ઉપર નથી જતા. તેઓ  ફોન ઉપર, વોટસએપ કરીને કે વીડીયો કોલીંગ દ્વારા જ ફેમીલી ડોકટર્સનો સંપર્ક કરે છે. બીમારીના સામાન્ય લક્ષણો હોય તો ડોકટર્સ પણ આવી રીતે ઓનલાઇન ઇલાજ સારવાર કરવા લાગ્યા છે, જેથી કોરોના સામેની તમામ સાવચેતી પણ રાખી શકાય. આ ટાઇપની 'ટેલિ ટ્રીટમેન્ટ'ને કારણે પણ પેરાસીટામોલ અને એન્ટી કોલ્ડ દવાઓનો વપરાશ વધ્યો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત સામાન્ય બીમારી માટેની દવા લોકો ઘરમાં પણ રાખવા લાગ્યા છે કે જેથી જરૂરીયાતના સમયે બહાર ન જવું પડે.

તાવ-કળતર-શરદીમાં વપરાતી ક્રોસીન, લેમોલેટ વિગેરે બ્રાન્ડની ટેબ્લેટની તો ટી.વી.માં પણ અમુક  જગ્યાએ જાહેરાત જોવા મળે છે. જેને કારણે પણ લોકોમાં અવેરનેસ આવતી જોવા મળે છે. શરદી-તાવ માટે યુનિસન કંપનીની ડાયોમિનિક ડીસીએ ટેબલેટ પણ ડોકટર્સ દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે, કે જેમાં કલોરફેનિરામાઇન મેલીએટ, પેરાસીટા મોલ, કેફીન સહિતના ઇન્ગ્રેડીયન્સ આવે છે. રેગ્યુલર કસ્ટમર્સ તથા જાણીતા લોકો મોટે ભાગે ફોન ઉપર જ મેડીકલ સ્ટોરમાંથી દવા મંગાવી લેતા હોય છે.

રાજસ્થાનના જોધપુરમાં તો ર૦ર૦ના વર્ષના પ્રથમ નવ મહિનામાં તાવ ઉતારવાની દવા પેરાસીટામોલનું વેચાણ બે ગણું થઇ ગયું હોવાનું જાણવા મળે છે. દર વર્ષે રપ કરોડ રૂપિયા જેટલું ટર્ન ઓવર રહેતું હોય છે. જયારે આ વર્ષે પ્રથમ નવ મહિનામાં જ પેરાસીટામોલનું વેચાણ પ૦ કરોડ રૂપિયા જેટલું થઇ ગયું છે. ઘણી વખત ડોકટર્સ દુખાવામાં રાહત થાય તે માટે પણ પેરાસીટામોલ લખતા હોય છે.

જો કે હાલની પરિસ્થિતિમાં અમુક રાજયોમાં પેરાસીટામોલ ટેબલેટ ઉપર થોડો અંકુશ પણ આવ્યો છે. અમુક રાજયોએ પેરાસીટામોલ સહિતની દવાઓ માટે ડોકટર્સના ફરજીયાત પ્રિસ્ક્રીપ્શન સહિતના અમુક નિયમો કોરોનાને લઇને બનાવ્યા છે. જેને કારણે આવા રાજયોમાં પેરાસીટામોલ તથા એન્ટી કોલ્ડ એન્ટી ફલુ વિગેરે દવાઓના વેચાણમાં ઘટાડો પણ આવ્યો હોવાનું ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ (AIOCD) ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલ જણાવી રહ્યા છે.

 

(11:23 am IST)