Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

હાય હાય યે મજબુરી

માસ્ટર્સ ડિગ્રી ધરાવતા લોકો કાર પાર્કિગ એટેન્ડન્ટનું કામ કરવા મજબૂર

કોરોનાની મહામારીમાં ૪૧ લાખ યુવાનોએ નોકરી ગુમાવી છેઃ મોટાભાગના લોકો બાંધકામ અને ફાર્મા સેકટર સાથે જોડાયેલા હતાં

નવી દિલ્હી, તા.૧૯: માર્ચથી દેશમાં લોકડાઉન લાગું થવાના કારણે મજૂરોથી માંડીને શિક્ષિત લોકો સુધીની દરેક વર્ગને ખૂબ જ માઠી અસર પહોંચી છે. જેમ જેમ મહિનાઓ પસાર થતાં જઈ રહ્યાં છે તેમ તેમ લોકોની નોકરીઓ પણ છૂટી રહી છે. એવો ડેટા વધી રહ્યો છે જેની પાસે માસ્ટર ડિગ્રી છે અને આવા લોકો પહેલાં કામ કરતા હતા પરંતુ હવે તેમને પણ આજીવિકા મેળવવા માટે ફાફા પડી રહ્યાં છે. માસ્ટર્સ ડિગ્રી હોવા છતાં પણ તેમને કેટલાક એવા કામ કરવાની ફરજ પડી રહી છે. જે તેમણે સપનાંમાં પણ વિચાર્યું નહીં હોય. ૨૭ વર્ષની સરસ્વતી પાસે માસ્ટર ડિગ્રી કરી છે. જોકે, કોરોનાકાળમાં તેણે નોકરી ગુમાવી હતી અને હવે તે પાર્કિંગ એટેન્ડન્ટની નોકરી કરવા મજબૂર છે.

ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ, સરસ્વતી સાથે કામ કરનાર રૂપેશકુમાર નિર્મલ નાસિકમાં સોલાર પેનલ બનાવતી કંપનીમાં કામ કરતો હતો. તેને પણ કોરોનાની મહામારીના કારણે મુંબઈ છોડવું પડ્યું. નોકરી પણ ન રહી. તે ગ્રેજયુએટ છે. હાલ તે પણ ચંદિગઢ આવી ગયો છે અને પાર્કિંગ એટેન્ડન્ટનું કામ કરે છે.

કમલ મિશ્રાની ઉંમર ૩૧ વર્ષ છે. વ્યવસાયે તેઓ રિક્ષાચાલક છે. કમલ યુપીના બલરામપુરના છે. લોકડાઉન પછી તેમણે માર્ચ મહિનામાં તેમના વતન જવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રવાસ ખૂબ જ પીડાદાયક હતો. અમે ૫૨ જેટલા અવરોધો પાર કર્યા. ઘણી વાર અમને પોલીસકર્મીઓએ ઢોરમાર માર્યો હતો. ઘરે પહોંચતાં અમારા પગ લોહીથી લથબથ થઈ ગયા હતાં. આ દ્યાને મટાડવામાં બે મહિનાનો સમય લાગ્યો હતો. હવે અમારી બધી બચત પૂરી થઈ ગઈ છે. હવે અમે ફરી રુપિયા કમાવા માટે ચંદીગઢ આવ્યા છીએ.

આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન અને એશિયન ડેવલપમેન્ટ બેંકના સંયુકત અહેવાલ મુજબ, આ કોરોનાની મહામારીમાં ૪૧ લાખ યુવાનોએ નોકરી ગુમાવી છે. મોટાભાગના લોકો બાંધકામ અને ફાર્મા સેકટર સાથે જોડાયેલા હતાં.

(10:01 am IST)