Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

INX કેસ : પી ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી ફરીથી વધી

ત્રીજી ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારાઈ : સીબીઆઈ ટીમ તરફથી સોલીસીટર જનરલ દ્વારા કસ્ટડી વધારવાની માંગ મંજુર : પી ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો

નવીદિલ્હી,તા.૧૯ : આઈએનએક્સ  મિડિયા ભ્રષ્ટાચારના મામલામાં દિલ્હીની એક કોર્ટે આજે પૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડીની અવધિ ત્રીજી ઓક્ટોબર સુધી વધારી દીધી હતી. ખાસ ન્યાયાધીશ અજયકુમારે ચિદમ્બરમની મેડિકલ તપાસની મંજુરી પણ આપી દીધી છે. સીબીઆઈએ વરિષ્ઠ કોંગ્રેસી નેતાની જ્યુડિશિયલ કસ્ટડી વધારવાની માંગ કરી હતી. સીબીઆઈ તરફથી ઉપસ્થિત રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, ચિદમ્બરમને જે દિવસ ેપ્રથમ વખત જેલમાં મોકલવામાં આવ્યા હતા ત્યા સુધી પરિસ્થિતિમાં કોઇ ફેરફાર થયા નથી.બીજી બાજુ ચિદમ્બરમની રજૂઆત કરી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જ્યુડિશિયલ કસ્ટડીની વધારવાની સીબીઆઈની અરજીનો વિરોધ કર્યો હતો. સિબ્બલે ચિદમ્બરમ તરફથી અપીલ કરવામાં આવી હતી કે, તેમના અસીલને ન્યાયિક કસ્ટડી દરમિયાન તિહાર જેલમાં રહીને સમય સમયે મેડિકલ તપાસ અને પુરતા પ્રમાણમાં પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. ૭૩ વર્ષીય ચિદમ્બરમને અનેક પ્રકારની બિમારી છે. કસ્ટડીમાં રહેવાના ગાળા દરમિયાન તેમનું વજન પણ ઘટી ગયું છે.

               આવી સ્થિતિમાં તેમને વધારે સુવિધા મળે તે જરૂરી છે. કોંગ્રેસી નેતા પાંચમી સપ્ટેમ્બરથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ચિદમ્બરમ તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, પૂર્વ કેન્દ્રીયમંત્રીને તેમના સેલની બહાર હોલમાં બેસવા માટે ખુરશી મળી હતી જેને લઇ લેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ચિદમ્બરમ માત્ર બિસ્તર પર બેસી શકે છે. તેમને વધુ સુવિધા મળી રહી નથી. એમ્સમાં સારવારની મંજુરી આપવાની રજૂઆત કરી હતી. મહેતાએ કહ્યું હતું કે, કોઇપણ કેદીની આરોગ્યની ચિંતા હોવી જોઇએ. કાયદામાં પણ જે પણ સ્વીકાર્ય છે તે જેલ અધિકારીઓને કામ કરવું જોઇએ.

                દિલ્હી હાઈકોર્ટ તરફથી તેમની આગોતરા જામીન અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ ચિદમ્બરમની હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી. .સીબીઆઈએ ૧૫મી મે ૨૦૧૭ના દિવસે એક કેસ દાખલ કર્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આઈએનએક્સ મિડિયા ગ્રુપને વિદેશમાંથી ૩૦૫ કરોડ રૂપિયાનું રોકાણ મેળવવા માટે એફઆઈપીબી દ્વારા અપાયેલી મંજુરીમાં મોટાપાયે ગેરરીતિ થઇ હતી. અત્રે નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની આખરે મોડી રાત્રે પુુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જોકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી.  

(7:57 pm IST)