Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

'વિક્રમ'ની ભાળ મેળવવામાં નાસાનું ઓર્બિટર નિષ્ફળ

ચંદ્ર પર ઓછા પ્રકાશથી નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટરને લેન્ડરની સ્પષ્ટ તસવીરો મળવી મુશ્કેલ :૧૪ ઓકટોબરે પૂનમ આસપાસ પ્રકાશ વધુ હોવાથી ચંદ્ર પરની સ્પષ્ટ તસ્વીરો મળવાની આશા

નવી દિલ્હી, તા.૧૯: ચંદ્રયાન ૨ને લઈને ઈસરોએ સાંકેતિક રીતે મિશન પૂર્ણ થયું હોવાનું જણાવી દીધું છે. ઈસરોએ ચંદ્રયાન માટે લોકોના સમર્થનને લઈને આભાર વ્યકત કર્યો છે ત્યારે દેશવાસીઓ હજુ પણ નાસા પર મિટ માંડીને બેઠા છે કે તે લેન્ડર વિક્રમને લઈને કોઈ સગડ આપશે. ચંદ્ર પર રાત્રીનો પ્રારંભ થાય તે અગાઉ કોઈ સારા એંધાણ મળવાની સૌ કોઈ આશા સેવી રહ્યું છે. યુએસની સ્પેસ એજન્સીના જણાવ્યા મુજબ લેન્ડર વિક્રમ તેના ઓર્બિટરના ફિલ્ડ ઓફ વ્યૂ (દ્રશ્ય ક્ષેત્ર)માં નહીં હોય જેથી તેની તસવીરો પ્રાપ્ત થઈ શકતી નથી. 

નાસાનું લ્યુનર રિકોનિસન્સ ઓર્બિરટ (LRO) છેલ્લા દસ વર્ષથી ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરી રહ્યું છે અને તે મંગળવારે લેન્ડર વિક્રમ જયાં પડ્યું ત્યાંથી પસાર થયું હતું. લ્યુનર રિકોનિસન્સ ઓર્બિટર કેમેરાએ (LROC) નક્કી કરેલી લેન્ડિંગ સાઈટની તસવીરો મેળવી છે પરંતુ તેમ છતા વિક્રમની ચોક્કસ માહિતી મળી નથી. આના પરથી એવું તારણ કાઢી શકાય છે કે લેન્ડર વિક્રમ ઓર્બિટરના કેમેરાના દ્રશ્ય ક્ષેત્રમાં નહીં હોય, તેમ નાસાના ગ્રહ વિજ્ઞાન વિભાગના પીઆરઓ જોશુઆ એ હાન્ડાલે જણાવ્યું હતું.

૭ સપ્ટેમ્બરના ચંદ્રયાન ૨નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફટ લેન્ડિંગ કરી રહ્યું હતું તે વખતે ચંદ્રની સપાટીથી ૨.૧ કિ.મીના અંતરે તેનો સંપર્ક ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશન સાથે તૂટી ગયો હતો.

નાસાની એલઆરઓસી ટીમ ૧૭ સપ્ટેમ્બરે લીધેલી તસવીરોનો તુલનાત્મક અભ્યાસ કરશે અને લેન્ડર વિક્રમ નજરે પડે છે કે કેમ તે ચકાસશે. ત્યારબાદ આ તારણોને જાહેર પણ કરવામાં આવશે અને તેના પર વધુ અભ્યાસ કરાશે. પ્રાપ્ત વિગતો મુજબ વર્તમાન સમયે વિક્રમના સંભવિત લેન્ડિંગ સ્થળે ચંદ્રની રજ જોવા મળી રહી છે. ચંદ્ર પરના લાંબા પડછાયા પરથી ત્યાં સાંજનો સમય હોવાનું જણાય છે. નિષ્ણાતોના મતે ચંદ્ર પર રાત્રીનો સમય થઈ જવાથી વિક્રમ લેન્ડરની ભાળ મળવી મુશ્કેલ છે. બે સપ્તાહ બાદ ફરી ચંદ્ર પર દિવસ થશે ત્યારે કોઈ સચોટ માહિતી સામે આવી શકે છે.

નાસાનું ઓર્બિટર હવે ૧૪ ઓકટોબરના ફરી ત્યાંથી પસાર થશે જેને પગલે અજવાળું હોવાથી ચંદ્ર પરની સ્પષ્ટ તસવીર મેળવી શકાશે. ચંદ્ર પર રાતના સમયે -૧૮૦ ડિગ્રી જેટલી ઠંડી છવાઈ જાય છે પરિણામે કોઈ જ તસવીર સ્પષ્ટ જોઈ શકાતી નથી.

(4:03 pm IST)