Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સોમવારે દિવસ - રાત બંને સરખા

રાત-દિવસ ૧૨-૧૨ કલાકની રહેશે : મંગળવારથી દિવસ ક્રમશઃ ટૂંકો અને રાત્રી લાંબી થશે

રાજકોટ, તા.૧૯ : સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.૨૧-૨૨મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો અને જૂન તા.૨૧મીએ લાંબામાં લાંબો દિવસનો અનુભવ કર્યા પછી શરદ સંપાતના કારણે સોમવાર તા.૨૩મી સપ્ટેમ્બરે દિવસ- રાત સરખા હોવાનો અદ્દભૂત અનુભવ માણવા - અહેસાસનો મોકો મળશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યા જણાવે છે કે પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ અંશના ખૂણે નમેલી હોય છે. પૃથ્વીનું માથુ દક્ષિણ અને ઉત્તર તરફ નમેલુ હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે. ૩૬૫ દિવસમાં દિવસ - રાત સરખા બે વખત અને લાંબો દિવસ, રાત - દિવસ ટૂંકા અને રાત્રી લાંબી વગેરે ખગોળીય ઘટનાના કારણે જોવા મળે છે. જેમાં સંપાતની મહત્વની ભૂમિકા છે.

તા.૨૩ સોમવારની સ્થિતિએ સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય : રાજકોટ : સૂ.ઉ.૬ કલાક ને ૩૬ મિનિટ, સુ.અ. ૬ કલાકને ૪૩ મિનિટ, અમદાવાદ : સુ.ઉ.૬ કલાકને ૨૮ મિનિટ, સુ.અ. ૬ કલાકને ૩૫ મિનિટ, વડોદરા : સૂ.ઉ. ૬ કલાકને ૩૦ મિનિટ, સુ.અ. ૬ કલાકને ૩૨ મિનિટ, સુરત : સુ.ઉ. ૬ કલાકને ૨૯ મિનિટ, સુ.અ. ૬ કલાકને ૩૬ મિનિટ, થરાદ : સુ.અ. ૬ કલાકને ૩૫ મિનિટ, સુ.અ. ૬ કલાકને ૩૪ મિનિટ, ભુજ : સુ.અ. ૬ કલાકને ૩૬ મિનિટ, સુ.અ. ૬ કલાકને ૩૫ મિનિટ, ભાવનગર : સુ.અ. ૬ કલાકને ૩૧ મિનિટ, સુ.અ. ૬ કલાકને ૩૩ મિનિટ.

ભારતમાં સરેરાશ દિવસ ૧૧ કલાકને ૫૮ મિનિટનો રહેશે. દેશમાં સૂર્યોદય-સૂર્યાસ્તમાં સામાન્ય તફાવતના કારણે ૩ મિનિટથી ૭ મિનિટનો તફાવત ધ્યાને રાખી ગણત્રી કરવામાં આવી છે. દિવસ - રાતનો સામાન્ય તફાવત જોવા મળશે.

(11:35 am IST)