Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

શું પાકિસ્તાન સાથે જંગ થશે? શું POK છીનવી લેવાશે?

ટીવી પર હાલ દિવસ-રાત પાકિસ્તાનની જ ચર્ચા થાય છેઃ લોકોનાં મનમાં જે સવાલો ઉઠે છે તે અંગે નિષ્ણાતો શું કહે છે?

નવી દિલ્હી તા. ૧૯ :.. એ વાતમાં કોઇ સંદેહ નથી કે ભારત - પાકિસ્તાન પર હૂમલો કરવા નથી ઇચ્છતું પણ બાલાકોટ પછી પાકિસ્તાનમાં એટલો ખૌફ છે કે ત્યાં રોજ યુધ્ધ થવાના અનુમાનો થઇ રહ્યા છે. જોખમ આ ખૌફના કારણે ઉભુ થઇ શકે છે. જો ભુલથી પણ પાકિસ્તાને કોઇ છમકલું કર્યુ તો ભારત તેનો જવાબ આપવાનું જ છે. યુધ્ધ થવાની શકયતાનું બીજુ એક કારણ છે આતંકવાદીઓ જો ભારત પર આતંકવાદી હૂમલો થાય તો તે જવાબી કાર્યવાહી સૈન્ય દ્વારા થશે જ જેમ ઉરી પછી થયું હતું. આ ખતરો ખરેખર ગંભીર છે કેમ કે પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદી જરૂર ઇચ્છશે કે ભારત સાથે લડાઇ થાય અને તેમની તાકાત વધે. આ બન્ને બાબતો ભારતના નિયંત્રણની બહાર છે એટલે લડાઇની આશંકા ઉભી રહે જ છે.

ઘણા લોકો એવું માને છે કે ભારતે પીઓકે પર કબ્જો મેળવી લેવો જોઇએ. ત્યાં સુધી પણ કહેવામાં આવે છે કે આખા પાકિસ્તાનને ભારતમાં ભેળવી દેવું જોઇએ. પણ આવી ગલત ફહેમીનો કોઇ અર્થ નથી. ભારતની પાકિસ્તાન પર હૂમલો કરવાની કોઇ ઇચ્છા નથી તો તેને પોતાની સાથે મેળવવાની વાત તો ઘણી દુરની છે, હા જો યુધ્ધ થશે તો તેનું પરિણામ શું આવશે તે કહેવું અઘરૃં છે. તો પણ એક વાત સમજવી જોઇએ કે પીઓકે ને પોતાની સાથે ભેળવવાથી આપણને કોઇ ફાયદો નથી. એક અશાંત અને ભુખમશે ભોગવતી વસ્તીને આપણી સાથે ભેળવવાથી મુશ્કેલીઓમાં વધારો જ થશે.

જો ભારત પાકિસ્તાનનું યુધ્ધ થાય તો ચીન ખુલ્લી રીતે તેની મદદમાં આવવાથી દુર રહેશે કેમ કે તો એ એક મોટી લડાઇનું સ્વરૂપ ધારણ કરશે. તેના બદલે ચીન એવી કોશિષ કરશે કે યુધ્ધને વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવામાં આવે.

અત્યારે તો કાશ્મીરમાં અમન ચૈન સ્થાપવા એ મોટો પડકાર છે. આપણે બધું ધ્યાન તેના પર આપવાની જરૂર છે કેમ કે પ્રતિબંધો હટયા પછી ત્યાં કેવી પરિસ્થિતી થશે તે મહત્વપુર્ણ છે. ભારતની કાશ્મીર નીતિ ફકત એવી હોવી જોઇએ કે એક તો કાશ્મીરીઓને એક જુટતાનો અહેસાસ આપવામાં એટલે કે તેમની સાથે કોઇ ગેરવર્તણુંક ન થાય અને બીજું કે તેમની પ્રગતિ માટે જે કંઇ કરવાનું થાય તે બહુ જલ્દી કરવામાં આવે. પ્રેમ, ભાઇચારો અને પ્રગતિ આ ત્રણ વસ્તુઓ કાશ્મીરઓને ભારત સાથે જોડશે અને તેમને અહેસાસ કરાવશે કે અલગતાવાદથી કંઇ ફાયદો નથી અને તેમને એમ પણ થશે. કે પાકિસ્તાન જેવા દેશનો સાથ લેવાથી તેમનું કંઇ ભલુ નહીં થાય.

(11:27 am IST)