Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ત્રિપલ તલાક ઘટનાક્રમ......

ક્યારે શું થયું તેને લઇને પણ લોકોમાં ચર્ચા

નવી દિલ્હી,તા. ૧૯ : કેન્દ્રની મોદી સરકારે આખરે ત્રિપલ તલાક સાથે સંબંધિત વટહુકમને આજે લીલીઝંડી આપી દીધી હતી. આની સાથે જ સરકારની પાસે હવે તેને પસાર કરવા માટે છ મહિનાનો સમય રહેશે. મોદી સરકારે ત્રિપલ તલાક બિલ સંસદમાં અટવાઇ પડતા હવે તેને લાગુ કરવા માટે  વટહુકમનો રસ્તો અપનાવવા માટેનો નિર્ણય કર્યો છથે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ વટહુકમને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. આ વટહુકમ હવે છ મહિના સુધી અમલી રહેશે. ત્રિપલ તલાક સાથે સંબંધિત ઘટનાક્રમ નીચે મુજબ છે.

*    ત્રિપલ તલાકની સામે હમેશા અવાજો ઉઠી છે પરંતુ ધર્મ સાથે જોડાયેલો મામલો હોવાથી આને રાજકીય પક્ષે ખુલ્લો ટેકો આપ્યો નથી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ સાતમી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે રાષ્ટ્રીય પંચે આ મામલામાં લોકોના અભિપ્રાય માંગ્યા ત્યારે એક નવી ચર્ચા છેડાઈ હતી

*    સુપ્રીમ કોર્ટે પણ આ મામલામાં નોંધ લીધી હતી. મામલો કોર્ટમાં આવ્યા બાદ આને લઇને દલીલબાજી શરૂ થઇ હતી. ૩૦મી માર્ચ ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે આની સાથે જોડાયેલી તમામ અરજી પર પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા સુનાવણીનો નિર્ણય કર્યો હતો

*    પાંચ જજની બંધારણીય બેંચ સમક્ષ જોરદાર દલીલોનો દોર ચાલ્યો હતો જેમાં કુરાન, શરિયત, ઇસ્લામિક કાયદા સાથે જોડાયેલા ઇતિહાસ ઉપર ચર્ચા થઇ હતી. ૧૧મી મે ૨૦૧૭ના દિવસે સુનાવણી શરૂ થઇ હતી અને સતત છ દિવસ સુધી ચાલી હતી

*    કેસની સુનાવણી કરનાર પાંચ જજ જુદા જુદા સમુદાયના હતા જેમાં ચીફ જસ્ટિસ ખેહર શીખ સમુદાયના છે. જસ્ટિસ કુરિયન ખ્રિસ્તી છે. એફ નરીમન પારસી સમુદાયના છે. યુયુ લલિત હિન્દુ સમુદાયના છે જ્યારે અબ્દુલ નઝીર મુસ્લિમ સમુદાયના છે.

*    સતત છ દિવસ સુધી સુનાવણી થયા બાદ ૧૮મી મે ૨૦૧૭ના દિવસે સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો હતો. ૨૨મી મેના દિવસે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં એક નવી એફિડેવિટ દાખલ કરી હતી

*    ૨૨મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે સુપ્રીમે ઐતિહાસિક ચુકાદો આપતા ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને કેન્દ્રને કાયદો ઘડી કાઢવા માટે સૂચના આપી

*    ૧૦મી ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે રાજ્યસભામાં ત્રિપલ તલાકનું બિલ પસાર  કરવામાં સફળતા ન મળતા બિલ ફરીવાર અટવાયું

*    ૧૯મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે સંસદના બંને ગૃહોમાં બિલ અટવાઈ પડ્યા બાદ ત્રિપલ તલાકના મામલામાં વટહુકમ લાવવાને સરકારે લીલીઝંડી આપી

(7:31 pm IST)