Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભારત પહેલા ૨૦ મુસ્લિમ દેશ પ્રતિબંધ મુકી ચુક્યા છે

પાકિસ્તાન, બાંગ્લા, સુડાન, ઇરાક પણ સામેલ : પાકિસ્તાનમાં ૧૯૫૫માં ત્રિપલ તલાકની સામે અવાજ ઉઠ્યો હતો : મોટાભાગના દેશોમાં દૂષણ પર પ્રતિબંધ

નવી દિલ્હી,તા.૨૨  : ભારતમાં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુકવાની હિલચાલ ચાલી રહી છે. ત્રિપલ તલાક ઉપર વટહુકમને કેન્દ્રીય કેબિનેટે આજે લીલીઝંડી આપી હતી. આ બિલને કાયદાકીય રુપ આપવા માટે વટહુકમને મંજુરી આપવામાં આવી છે. સંસદના બંને ગૃહોમાં બિલને પસાર કરવામાં સફળતા ન મળતા આખરે વટહુકમ મારફતે ત્રિપલ તલાકને અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રિપલ તલાકના સંદર્ભમાં કેટલીક કઠોર જોગવાઈ રહેલી છે. ભારતમાં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુકવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે ત્યારે ભારત પહેલા અનેક મુસ્લિમ દેશોમાં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. કયા મુસ્લિમ દેશમાં તલાક ઉપર પ્રતિબંધ છે તે ખુબ જ મહત્વપૂર્ણ બાબત છે. ભારત પહેલા ૨૦ મુસ્લિમ દેશો છે જે આ પ્રથાને પ્રતિબંધિત કરી ચુક્યા છે જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ સામેલ છે. પાકિસ્તાને વર્ષ ૧૯૬૧માં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુક્યો હતો. ૧૯૫૫માં પાકિસ્તાનમાં તત્કાલિન વડાપ્રધાન મોહમ્મદ અલી બોગરાએ પોતાની પ્રથમ પત્નિની મંજુરી વગર પોતાની સેક્રેટરી સાથે નિકાહ કર્યા હતા પરંતુ પત્નિએ આને સહન કરવાના બદલે વિરોધ કર્યો હતો. ત્યારથી જ પાકિસ્તાનમાં વિરોધ વંટોળની શરૂઆત થઇ હતી. પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ, ઇજિપ્ત, સુડાન, ટ્યુનેશિયા, તુર્કી, સાઇપ્રસ, ઇન્ડોનેશિયા, અલ્જિરિયા, શ્રીલંકા, સિરિયા સહિત ૨૦ મુસ્લિમ દેશોમાં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. ઇજિપ્તમાં ૧૯૨૯માં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુકાયો હતો. સુડાને પણ ૧૯૩૫માં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુક્યો હતો. ટ્યુનિશિયાએ ૧૯૫૬માં, તુર્કીએ ૧૯૨૬માં, સાયપ્રસે ૧૯૮૦માં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુક્યો હતો. સિરિયામાં ૭૪ ટકા સુન્ની મુસ્લિમ વસ્તી છે. અહીં ૧૯૫૩માં જ તલાકના કાયદામાં સુધારાઓ કરીને તેના ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. સિરિયામાં કાયદા હેઠળ તલાક માત્ર જજની સામે જ માન્ય ગણવામાં આવે છે.ઇરાકમાં પણ ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ છે.

(7:31 pm IST)