Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

એનઆરસી : દાવા-વાંધઓ સ્વીકારવા માટેનો હુકમ થયો

એનઆરસીને લઇને સુપ્રીમમાં સુનાવણી કરાઈ : ૪૦ લાખ લોકોના દાવા અને વાંધાઓ મેળવવાની પ્રક્રિયા ૨૫મી સપ્ટેમ્બરથી શરૂ થશે : પ્રક્રિયા ૬૦ દિવસ ચાલશે

નવી દિલ્હી, તા. ૧૯ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે આસામના એનઆરસીના ડ્રાફ્ટથી બહાર કરવામાં આવેલા વ્યક્તિઓના દાવા અને વાંધાઓ સ્વીકાર કરવા માટેનું કામ શરૂ કરવા માટેનો આદેશ કરી દીધો છે. જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ આરએફ નરિમનની બેંચે કહ્યું હતું કે, એનઆરસીના મુસદ્દાથી છુટી ગયેલા આશરે ૪૦ લાખ લોકોના દાવા અને વાંધાઓ  પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયા ૨૫મી સપ્ટેમ્બરે શરૂ થશે અને આ પ્રક્રિયા આગામી ૬૦ દિવસ સુધી ચાલશે. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે, અમારી માનવું છે કે, આ સમયે અમને જુલાઈ મહિનામાં પ્રકાશિત કરવામાં આવેલા એનઆરસીના મુસદ્દામાં સામેલ કરવાના દાવા અને વાંધાઓ દાખલ કરવાની પ્રક્રિયા ઉપર ભાર મુકવાની જરૂર છે. સુપ્રીમની બેંચે એમ પણ કહ્યું હતું કે, આ મામલાના કેસને ધ્યાનમાં લઇને નાગરિકોને બીજી તક પણ આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટની બેંચે આ મામલામાં હવે ૨૩મી ઓક્ટોબરના દિવસે વધુ વિચારણા કરવાનો સમય નક્કી કર્યો છે. સુપ્રીમ કોર્ટની બેંચે એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રીય નાગરિક નોંધણીમાં નામ સામેલ કરવા માટે પસંદગીના દસ્તાવેજોની સ્વિકાર્યતા અને અસ્વીકાર્યતાના સંબંધમાં કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એનઆરસીના પ્રથમ મુસદ્દાને ૩૧મી ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીની અડધી રાત્રિએ જારી કરવામાં આવ્યા હતા તે વખતે ૩.૨૯ કરોડ અરજીદારો પૈકી ૧.૯ કરોડ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા હતા. આસામમાં ૨૦મી સદીની શરૂઆતથી બાંગ્લાદેશના લોકોની ઘુસણખોરીની સમસ્યા ઉભી થયેલી છે. ઘુસણખોરોનો મામલો હવે આસામમાં પણ ઉભો થયો છે. આસામમાં એનઆરસીના ડ્રાફ્ટને લઇને જોરદાર જટીલ સ્થિતિ સર્જાઈ છે અને દેશમાં આને લઇને વિવાદ પણ છે.

(7:31 pm IST)