Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રોહતકમાં મુસ્લિમોને જાહેરમાં નમાજ પઢવા અને દાઢી રાખવા પર પંચાયતનો પ્રતિબંધ

રોહતક, તા૧૯: બકરી ઇદ પર અહીં ટીટૌલી ગામમાં ગૌવંશની હત્યાની ખફા પંચાયતે ફરમાન જારી કર્યું છે કે મુસ્લિમ સમુદાયના લોકો હવે જાહેર સ્થળે નમાજ પઢશે નહીં એટલું જ નહીં, તેઓ ટોપી પણ નહીં પહેરે અને દાઢી પણ રાખી શકશે નહીં. તેમણે પોતાના બાળકોના નામ પણ અરબી કે ફારસીમાં નહીં, પરંતુ હિંદીમાં રાખવા પડશે. આ સાથે જ બકરી ઇદ પર ગૌવંશની હત્યા કરનારનો ગામમાં પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મૂૂકી દીધો છે.

ટીટૌલી ગામમાં રહેતા મુુસ્લિમ સમુદાયના લોકો વ્યવસાયે ધોબી છે. ગામમાં યોજાયેલી આ પંચાયતમાં પ૦૦ લોકો જોડાયા હતા, જેમાં મુસ્લિમોનો પણ સમાવેશ થાય છે. ગામમાં સરકારી સ્કૂલની નજીક ગત રર ઓગસ્ટે એક વાછરડાની હત્યા કરવામાં આવી હતી અને તેનો આરોપ યામીન નામના યુવાન પર મૂકવામાં આવ્યો હતો.

મંગળવારે યોજાયેલી પંચાયતની સભામાં એક કમિટી બનાવવામાં આવી હતી અને આ કમિટીએ પંચાયત સમક્ષ કેટલાક નિર્ણય રજૂ કર્યા હતા. જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. મુસ્લિમ સમુદાયના લોકોએ પણ પંચાયત દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયોને પોતાની સંમતિ આપી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીટૌલી ગામમાં યોજાયેલી પંચાયતમાં મુસ્લિમ સમુદાયના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. પંચાયત દ્વારા રચવામાં આવેલ સમિતિએ મુસ્લિમ સમુદાયને લગતા જે નિર્ણયો લીધા હતા તે નિર્ણયોને પંચાયતમાં ઉપસ્થિત રહેલા મુસ્લિમ સમુદાયના સભ્યોએ શિરોમાન્ય રાખ્યા હતા. આમ કોઇ પણ જાતના બિનજરૂરી વિવાદ કે દ્યર્ષણ વગર પંચાયતની બેઠક સર્વાનુમતે સંપન્ન થઇ હતી અને તમામ નિર્ણયો સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા હતા. મુસ્લિમ વ્યકિતએ ગૌશાળાને રૂ.૧૧,૦૦૦નું દાન આપ્યું

આ પ્રસંગે મુસ્લિમ સમુદાયના જ જયવીરે ગૌશાળા માટે રૂ.૧૧,૦૦૦નું દાન પણ આપ્યું હતું. જયવીર એ પેઢીમાંથી આવે છે. જેમના નામ હિંદુઓ જેવાં છે. પંચાયતમાં જે નિર્ણય લેવામાં આવ્યા છે તે આ મુજબ છેઃ ૧ હવે ગામમાં કોઇ પણ મુસ્લિમ જાહેર સ્થળે નમાજ નહીં પઢે અને ન તો કોઇ બહારથી નમાજ પઢાવવા આવશે. ર મુસ્લિમ સમાજમાં બાળકનું નામ પહેલાંની જેમ હિંદી શબ્દોમાં જ કરવામાં આવશે. ૩ ગામમાં મુસ્લિમો મોટી દાઢી રાખી શકશે નહીં કે ટોપી પહેરી શકશે નહીં. ૪ કબ્રસ્તાનની જમીન પરથી અનાજની લણણી બાદ જમીન પંચાયતમાં સામેલ કરવામાં આવશે. પાછળથી પંચાયત કબ્રસ્તાન માટે અલગથી જમીન આપશે. પ ગૌવંશની હત્યા કરનાર યુવાનને ગામમાં પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મુકાયો.(૨૨.૧૫)

(4:22 pm IST)