Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભારત - પાક. મેચ ઉપર ૫૦૦ કરોડથી વધુનો સટ્ટો

અટકળો લાગી રહી છે કે, મેચ શરૂ થતા પહેલા સટ્ટાની રકમ હજાર કરોડને પાર કરી જશે

દુબઇ તા. ૧૯ : ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે બુધવારે દુબઇમાં હોઇવોલ્ટેજ મેચ રમાવા જઇ રહી છે. એશિયા કપ ૨૦૧૮માં રમાનાર આ મેચે સસટ્ટાબજારને ધબકતું કરી દીધું છે. મીડિયાના રિપોર્ટ્સ મુજબ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચમાં અત્યાર સુધી ૫૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો લાગી ગયો છે.

એવી અટકળો લાગી રહી છે કે, મેચ શરૂ થતા પહેલા સટ્ટાની રકમ હજાર કરોડને પાર કરી જશે. ભારતીય ક્રિકેટ રસિયાઓ માટે આ એક ખૂશીની વાત એ છે કે સટ્ટા બજારમાં પણ જીતની પ્રબળ દાવેદાર ટીમ ઇન્ડિયા જ છે.

ભારત પાકિસ્તાન વચ્ચે સટ્ટા લગાવવાની શરૂઆત ટોસથી થઇ છે. ભારતના ટોસ માટેનો ભાવ ૮૨ પૈસા છે, એટલે જો રોહિત શર્મા ટોસ જીતે છે તો સટ્ટો લગાવનારને ૧ રૂપિયા ૮૨ પૈસા મળશે. ત્યાંજ પાકિસ્તાન ટોસ માટેનો ભાવ ૪૨ પૈસા છેં, એટલે જો સરફરાજ અહમદ ટોસ જીતશે તો સટ્ટો લગાવનારને ૨ રૂપિયા ૮૨ પૈસા મળશે.સૌથી મોટી વાત એ છે કે, આ મેચમાં ડી કંપનીની પણ નજર રહેલી છે. આવામાં ભારત-પાકિસ્તાન મહામુકાબલામાં ડી ગેંગ સાગરિતો સક્રિય થઇ જશે.

સટ્ટા બજાર અંગે સમાચાર મળતા જ વિશ્વ ક્રિકેટની સૌથી મોટી સંસ્થા આઇસીસી એલર્ટ થઇ ગયું છે. આઇસીસીએ બન્ને ટીમના ખેલાડીઓને કોઇપણ અજાણ્યા શખ્સ સાથે મળવા અને વાતચીત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.સટ્ટોડીયાઓનો રસ આ મેચમાં એટલો છે કે, કેટલાક દિગ્ગજ સટ્ટોડીયા દુબઇ રવાના થઇ ગયા છે. ઓનલાઇન સટ્ટા પર અત્યાર સુધી ૪૦૦-૫૦૦ કરોડ રૂપિયા લાગ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, સાંજ સુધી સટ્ટા બજારમાં  વેપાર એક હજાર કરોડ રૂપિયાને પાર થઇ જશે.

(3:28 pm IST)