Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

'હું તારો પગ તોડી શકું છું,' કેન્દ્રીય મંત્રીએ જાહેર કાર્યક્રમમાં ગુમાવ્યો મિજાજ

કેન્દ્રીય મંત્રીએ વ્યકિતને કહ્યું, 'તને શું થયું છે? શું સમસ્યા છે ? હું તારો પગ તોડી શકું છું અને તને કાખઘોડી આપી શકું છું'

અસનસોલ તા. ૧૯ : કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોએ પશ્ચિમ બંગાળના અસનસોલ ખાતે મંગળવારે દિવ્યાંગો માટે યોજાયેલા એક કાર્યક્રમમાં મિજાજ ગુમાવ્યો હતો અને કાર્યક્રમમાં હાજર એક વ્યકિતને તેનો પગ તોડી નાખવાની ચીમકી આપી હતી.

અસનસોલ ખાતે દિવ્યાંગ લોકોને વ્હીલચેર અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 'સામાજિક અધિકારિતા શિબિર' નામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બાબુલ સુપ્રિયો હાજર ઓડિયન્સમાંથી એક વ્યકિત પર ગુસ્સે ભરાયા હતા અને તેના પગ તોડી નાખવાની ચીમકી આપી દીધી હતી.

હકીકતમાં કાર્યક્રમ દરમિયાન એક વ્યકિત સતત પોતાની જગ્યાએથી ઉભી થઈને તેમને પરેશાન કરી રહી હતી. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રીએ તેને કહ્યુ કે, ૨તને શું થયું છે? શું સમસ્યા છે? હું તારો પગ તોડી શકું છું અને તને કાખઘોડી આપી શકું છું.'

બાદમાં કેન્દ્રીય મંત્રીએ તેના સેક્રેટરીને આદેશ કર્યો હતો કે હવેથી જો આ વ્યકિત તેની જગ્યા પરથી ઉભી થાય તો તેનો પગ તોડી નાખજો અને તેને કાખઘોડી આપી દેજો. બાદમાં તેમણે લોકોને આ વ્યકિત માટે તાળીઓ પાડવાનું કહ્યું હતું.

જોકે, આ પ્રથમ પ્રસંગ નથી જયારે ગાયકમાંથી રાજકારણમાં પ્રવેશેલા બાબુલ સુપ્રિયોએ આવું નિવેદન આપ્યું હોય. માર્ચ મહિનામાં રામ નવમીની ઉજવણી બાદ થયેલા તોફાનો દરમિયાન અસનસોલની મુલાકાત લેતી વખતે તેમણે વિરોધ કરી રહેલા ટોળાને ચીમકી આપતા કહ્યુ હતુ કે હું તમારી ચામડી ઉતારી નાખીશ.

(1:40 pm IST)