Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

માલ્‍યાએ આપેલી ગેરંટી માત્ર દેખાડા પૂરતી જ : CBI

કિંગફિશરે લીધેલી લોનની પુનઃ ચુકવણી માટે અપૂરતી હતી

નવી દિલ્‍હી તા. ૧૯ : સીબીઆઇએ દાવો કર્યો છે કે વિજય માલ્‍યાની યુનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડ લિ (UBHL)એ તેની મિલકતની નેટવર્થ અને કંપનીની બજારમૂડી કરતાં ઘણી વધારે કોર્પોરેટ ગેરંટી આપી હતી. બેન્‍કોએ આ ગેરંટીના અસલી મૂલ્‍યની ચકાસણી કર્યા વગર તેનો શા માટે સ્‍વીકાર કર્યો તેની સીબીઆઇ તપાસ કરે છે.

સ્‍પેશિયલ કોર્ટ, મુંબઈમાં સીબીઆઇએ સોંપેલા દસ્‍તાવેજ અનુસાર UBHLએ પેટાકંપનીઓ અને એસોસિયેટ કંપનીઓ વતી ૨૯ નવેમ્‍બર ૨૦૦૮ના રોજ રૂા. ૬,૦૩૬ કરોડની કોર્પોરેટ ગેરંટી આપી હતી. પરંતુ ૩૧ માર્ચ ૨૦૦૮ના રોજ કંપનીની એડ્‍જસ્‍ટેડ વાસ્‍તવિક નેટવર્થ રૂા. ૫૦૫.૭૧ કરોડની હતી અને ૯ એપ્રિલ ૨૦૦૯ના રોજ કંપનીની બજારમૂડી રૂા. ૭૭૦.૭૫ કરોડની હતી.

કિંગફિશર એરલાઇન્‍સની લોનને ભરપાઈ કરવા માટે નાણાં ઉછીના લેવાં આ કોર્પોરેટ ગેરંટી એક્‍ઝિક્‍યુટ કરવામાં આવી હતી. સીબીઆઇએ ડોક્‍યુમેન્‍ટમાં જણાવ્‍યું હતું કે, ‘કંપની દ્વારા એક્‍ઝિક્‍યુટ કરવામાં આવેલી કોર્પોરેટ ગેરંટી બીજું કંઈ નહીં પણ દેખાડા પૂરતી સિક્‍યોરિટી હતી જે કિંગફિશરે લીધેલી લોનની પુનઃ ચુકવણી માટે અપૂરતી હતી.'

તપાસની સીધી માહિતી ધરાવતા લોકોએ કહ્યું કે બેન્‍કોએ UBHL અને ગેરંટીઓના વાસ્‍તવિક મૂલ્‍યની શા માટે ઉપેક્ષા કરી તેની તેઓ તપાસ કરશે. બેન્‍કોએ વધારી ચઢાવીને દર્શાવાયેલા આંકડા શા માટે સ્‍વીકાર્યા તેની તપાસ કરવામાં આવશે. તેના કારણે બેન્‍ક અધિકારીઓની કામગીરીની ખામી અંગે સવાલ પેદા થાય છે તથા તેમના માટે સમસ્‍યા પેદા થઈ શકે છે.

ડોક્‍યુમેન્‍ટમાં એ બેન્‍કોના નામનો ઉલ્લેખ નથી જેમણે કોર્પોરેટ ગેરંટી સ્‍વીકારી હતી. સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ બેન્‍કોના કોન્‍સોર્ટિયમની આગેવાની લીધી હતી જેણે કિંગફિશર એરલાઇન્‍સને નાણાં ફાળવ્‍યાં હતાં. લગભગ ૨૦થી વધારે બેન્‍કો માલ્‍યા સાથે કથિત સાંઠગાંઠ બદલ તપાસ હેઠળ છે. તેમાં કોન્‍સોર્ટિયમનો હિસ્‍સો ન હોય તેવી બેન્‍કો પણ સામેલ છે. સીબીઆઇના ડોક્‍યુમેન્‍ટમાં UBHLનો વાંક પણ કાઢવામાં આવ્‍યો છે અને એસબીઆઇની આગેવાની હેઠળના કોન્‍સોર્ટિયમની પૂર્વમંજૂરી વગર એસેટનું મોર્ગેજિંગ ન કરવાના નિયમના ભંગનો આરોપ મૂકવામાં આવ્‍યો છે.

તપાસકર્તા એજન્‍સીનો આરોપ છે કે માલ્‍યાએ કોન્‍સોર્ટિયમ બહારની બેન્‍કો પાસેથી લોન લેવા માટે UBHLના શેર ગીરવે મૂક્‍યા હતા જેથી કંપનીની નેટવર્થ વધુ કથળી હતી. તપાસની સીધી માહિતી ધરાવતા લોકોએ કહ્યું કે માલ્‍યાએ લોન ન ચૂકવવાની યોજના સાથે આ બધું જાણીજોઈને ગુનાઇત ઇરાદાપૂર્વક કર્યું હતું. કોર્ટમાં સોંપવામાં આવેલા ડોક્‍યુમેન્‍ટ પ્રમાણે ૩૧ માર્ચ ૨૦૦૯ના રોજ ક્‍વોટેડ ઇન્‍વેસ્‍ટમેન્‍ટના ૬૬ ટકા અને ૩૧ માર્ચ ૨૦૧૦ના રોજ ક્‍વોટેડ ઇન્‍વેસ્‍ટમેન્‍ટના ૮૮ ટકા લોન મેળવવા માટે ગીરવે મૂકવામાં આવ્‍યા હતા.

માલ્‍યા અને તેની કંપનીઓ સામેથી ઈં ૯,૦૦૦ કરોડની લોન વસૂલ કરવા બેન્‍કો ડેટ રિકવરી ટ્રિબ્‍યુનલમાં ગઈ તે દિવસે બીજી માર્ચ, ૨૦૧૬ના રોજ માલ્‍યા દેશ છોડીને યુકે ભાગી ગયા હતા. હાલમાં યુકેની કોર્ટમાં તેમની સામે પ્રત્‍યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે. કોર્ટ ૧૦ ડિસેમ્‍બરે ચુકાદો આપશે

 

(1:00 pm IST)