Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

હાય રે બેકારી... ૭૦૦ જગ્‍યા માટે ૧૦ લાખ અરજીઃ ધો-૧૨ પાસની પોસ્‍ટ માટે ડોકટરો-ઇજનેરો લાઇનમાં

૩૭૨ પીએચડી, ૫૩૯ એમફીલ, ૧.૫૦ લાખ પોસ્‍ટ ગ્રેજયુએટની અરજી

હૈદરાબાદ તા.૧૯: દેશમાં મોંઘવારીની જેમ જ બેરોજગારીએ પણ માઝા મુકી છે. જેની સાબીતી તેલંગાણામાં જોવા મળી હતી. અહીંયા ૭૦૦ જગ્‍યાઓ માટે ૧૦ લાખ લોકોએ અરજી કરી છે. એમાં જોવા લાયક વાત તો એ છે કે ૧૨ પાસ માટેની આ જગ્‍યાઓ માટે ગ્રેજયુએટ, પોસ્‍ટ ગ્રેજયુએટ, પીએચડી અને એમફીલ ડીગ્રી વાળાઓએ પણ અરજી કરી છે.

ટીવી ચેનલ સાથેની વાતચીત દરમ્‍યાન રાજય પબ્‍લીક સર્વિસ કમિશનના અધ્‍યક્ષ ચક્રપાણીએ કહયું કે તેલંગાણામાં આ કંઇ પહેલીવાર નથી બન્‍યુ, ઘણા સમયથી આવું થતું જ આવ્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે ૨૦૧૪માં વીઆરોની પોસ્‍ટ માટે ૧૦ લાખથી વધારે લોકોએ અરજી કરી હતી. જેમાંથી ૮૦ ટકા લોકોએ પરીક્ષા પણ આપી હતી. આ પહેલા ૨૦૧૧માં આ પદ માટે ૬ લાખથી વધારે અરજીઓ આવી હતી.

નોકરી કરતા લોકોએ પણ અરજી કરી

આ ઉપરાંત ખાનગી કંપનીમાં નોકરી કરતા લોકોએ પણ અરજી કરી હતી. ઇલેકટ્રીકલ એન્‍જીનીયર પ્રશાંતે મીડિયા સાથે વાત કરતા કહયું કે ઇલેકટ્રીકલ એન્‍જીનીયરીંગ કર્યા પછી બીપીઓમાં નોકરી મળી છે. પણ પ્રાઇવેટ નોકરીમાં સરકારી નોકરી જેટલી સુરક્ષા નથી એટલે મેં અરજી કરી છે. આ જગ્‍યા માટે એન્‍જીનીયરથી માંડીને ડીલીવરી બોય તરીકે કામ કરતા લોકોએ પણ અરજી કરી છે.

(11:44 am IST)