Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ગયા વર્ષે ૫૦,૦૦૦ ભારતીયોને મળી અમેરિકી નાગરિકતા : મેક્‍સિકો બાદ બીજા ક્રમે ભારત

વધુમાં વધુ ગ્રીન કાર્ડ હોલ્‍ડર્સ લે છે નાગરિકતા

મુંબઈ તા. ૧૯ : અમેરિકામાં ભલે અન્‍ય દેશોમાંથી આવતા લોકો માટે નાગરિકતા મેળવવાના નિયમો કડક બનાવાયા હોય છતાં ભારતીયો પ્રત્‍યે કૂણું વલણ રાખવામાં આવે છે. આ બાબત ગયા વર્ષે અમેરિકાની નાગરિકતા મેળવનારા ભારતીયોના આંકડા પરથી સ્‍પષ્ટ થાય છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭માં આશરે ૫૦,૦૦૦ ભારતીયોને અમેરિકાની સિટીઝનશીપ મળી છે. US સિટીઝનશીપ મેળવવામાં ભારતીયો મેક્‍સિકોના નાગરિકો બાદ બીજા ક્રમે આવે છે.

નેચરલાઈઝેશન એવી પ્રક્રિયા છે જેના માધ્‍યમથી લીગલ ફોર્માલિટી પૂરી કરનારા વિદેશી નાગરિકોને અમેરિકાની નાગરિકતા આપવામાં આવે છે. નાગરિકતા મળ્‍યા બાદ તે લોકો અમેરિકામાં મત આપવાનો અધિકાર મળે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭માં નેચરલાઈઝેશન મેળવનારા લોકોની સંખ્‍યા ઘટી છે. જો કે અમેરિકાના ડિપાર્ટમેન્‍ટ ઓફ હોમલેંડ સિક્‍યુરિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા પ્રમાણે, ભારતીયોની સંખ્‍યા ૧૦ ટકા વધી છે. ૫૦,૮૦૨ ભારતીયોને અમેરિકન નેચરલાઈઝેશન પ્રાપ્ત થયું છે.

૧ ઓક્‍ટોબર, ૨૦૧૬થી ૩૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૬ વચ્‍ચે કુલ ૭ લાખ લોકોને અમેરિકન સરકારે નાગરિકતા આપી છે જેમાં ૭ ટકા ભારતીયો છે. ૨૦૧૬ની સરખામણીમાં ૨૦૧૭માં ૪,૬૦૦ વધુ ભારતીયોને અમેરિકન સિટીઝનશીપ મળી. અમેરિકન સિટીઝનશીપ મેળવનારા લોકોમાં સૌથી વધુ વૃદ્ધિ મેક્‍સિકોના લોકોની થઈ છે. ૨૦૧૭માં અમેરિકાની નાગરિકતા મેળવનારા મેક્‍સિકન નાગરિકોની સંખ્‍યા ૧૪ ટકા એટલે કે ૧૫,૦૦૯ વધી છે. જે બાદ ૧૦ ટકા વધારો એટલે કે ૪,૬૧૪ નાગરિકો સાથે ભારત બીજા ક્રમે છે. ૫ ટકા વધારો એટલે કે ૧,૮૮૦ લોકો સાથે ચીન ત્રીજા ક્રમે છે.

અમેરિકામાં પ્રવાસીઓ માટે નિયમો કડક થયા બાદ ગ્રીન કાર્ડ હોલ્‍ડર્સમાં નાગરિકતા મેળવવાનું વલણ વધ્‍યું છે. માત્ર ગ્રીન કાર્ડ હોલ્‍ડર્સ જ નેચરલાઈઝેશન પ્રોસેસ માટે એપ્‍લિકેશન આપી શકે છે. ગ્રીન કાર્ડ મળ્‍યા બાદ જ અમેરિકામાં રહેવાની અને લાંબા સમય સુધી કામ કરવાની અનુમતિ મળે છે. ઈમિગ્રેશન એક્‍સપર્ટનું કહેવું છે કે, હવે વધુમાં વધુ ગ્રીન કાર્ડ હોલ્‍ડર્સ અમેરિકાની નાગરિકતા મેળવવા માટે એપ્‍લિકેશન આપે છે. જેનું કારણ છે કડક વીઝા પોલીસી અને નોકરીમાં અમેરિકન્‍સને પ્રાથમિકતા આપવી.

નાગરિકતા આપવાના મામલે પણ કડક વલણ દાખવવામાં આવે છે. નેશનલ પાર્ટનરશીપ ફોર ન્‍યૂ અમેરિકન્‍સ (NPNA) સંગઠન મુજબ, નાગરિકતા માટે પેન્‍ડિંગ એપ્‍લિકેશનની સંખ્‍યા ખૂબ વધી છે. આશરે ૭.૫૩ લાખ પેન્‍ડિંગ એપ્‍લિકેશન છે એટલે કે ૨૦૧૫ની સરખામણીમાં પેન્‍ડિંગ એપ્‍લિકેશનની સંખ્‍યા ૯૩ ટકા વધી છે. NPNA અને કેટલાક અન્‍ય સંગઠનોએ અમેરિકાની નાગરિકતા આપતા ડિપાર્ટમેન્‍ટ યૂએસ સિટીઝનશીપ એન્‍ડ ઈમિગ્રેશન સર્વિસિઝ (USCIS) સામે કેસ કર્યો છે. NPNAના એક્‍સિક્‍યુટિવ ડાયરેક્‍ટરે કહ્યું કે, ‘અમે USCIS સામે કેસ કર્યો છે કારણકે ટ્રંપ પ્રશાસને એક બીજી દિવાલ ઊભી કરી છે. જેનાથી પ્રવાસીઓને કાયદાકીય રીતે નાગરિકતા મેળવવા પર અને વોટિંગનો અધિકાર મેળવવાથી રોકવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ સામે ભેદભાવ કે જાણી જોઈને ખોટા વ્‍યવસ્‍થાપનનો મામલો હોય આને રોકવું જરૂરી છે.'

 

(10:12 am IST)