Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુના મોત

ભારતમાં ૨૦૧૭માં ૮૦૨૦૦૦ નવજાત શિશુઓના મોત, પાણી, સ્‍વચ્‍છતા, પોષણ અને પૂરતી આરોગ્‍ય સેવાનો અભાવ કારણભૂત : યુનો

નવી દિલ્‍હી તા. ૧૯ : ભારતમાં વર્ષ ૨૦૧૭માં ૮૦૨૦૦૦ નવજાત શિશુઓનાં મોત થયાં હતાં અને આ આંકડો પાંચ વર્ષમાં સૌથી ઓછો રહ્યો છે. આ હિસાબે ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુઓ મોતને ભેટે છે. નવજાત શિશુ મૃત્‍યુ દર અંદાજ અંગે સંયુક્‍ત રાષ્ટ્રની એજન્‍સી UNIGMIએ પોતાના તાજેતરના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.

UNIGMIના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ ૨૦૧૭માં ૬૦૫૦૦૦ નવજાત શિશુઓનાં મોત થયા હતા, જયારે પાંચ વર્ષથી ૧૪ વર્ષની વયના ૧૫૨૦૦૦ બાળકોનાં મોત થયા હતા. નવજાત બાળકોનાં મોત માટે પાણી, સ્‍વચ્‍છતા, પોષણ અને પૂરતી આરોગ્‍ય સેવાઓનો અભાવ કારણભૂત હોવાનું આ રિપોર્ટમાં જણાવાયું છે.

આ રિપોર્ટ અનુસાર, ગત વર્ષે ભારતમાં લગભગ ૮૦૨૦૦૦ બાળકોનાં મોત નોંધાયા હતા. યુનિસેફ ઈન્‍ડિયાના પ્રતિનિધિ યાસ્‍મીન અલી હકે કહ્યું છે કે શિશુ મૃત્‍યુ દરના મામલે ભારતમાં ઉલ્લેખનીય સુધારો થઈ રહ્યો છે. એવું પ્રથમવાર બન્‍યું છે જયારે ભારતમાં જન્‍મથી લઈને પાંચ વર્ષની વયના બાળકોનો મૃત્‍યુદર તેમના આ જ વયજૂથના જન્‍મદરને સમાન છે.

તેમણે કહ્યું હતું કે હોસ્‍પિટલોમાં પ્રસૂતિ કરાવવામાં વધારો, નવજાત શિશુઓની દેખરેખ માટે સુવિધાઓનો વિકાસ અને રસીકરણ ઉત્‍કૃષ્ટ થવાથી શિશુ મૃત્‍યુદરમાં ઘટાડો આવ્‍યો છે.

નવજાત શિશુ મૃત્‍યુ દર ૨૦૧૬માં ૮.૬૭ લાખની તુલનામાં ઘટીને ૨૦૧૭માં ૮.૦૨ લાખ થઈ ગયો છે. ૨૦૧૬માં ભારતમાં શિશુ મૃત્‍યુ દર ૪૪ શિશુ પ્રતિ ૧૦૦૦ હતો. જો લૈંગિક આધાર પર શિશુ મૃત્‍યુ દરની વાત કરીએ તો ૨૦૧૭માં છોકરાઓમાં તે દર પ્રતિ ૧૦૦૦ બાળક પર ૩૦ની સંખ્‍યામાં હતો અને છોકરીઓમાં તે દર પ્રતિ ૧૦૦૦ બાળકીઓ પર ૪૦ રહ્યો હતો.

યાસ્‍મીને કહ્યું હતું કે સૌથી સારી વાત છેલ્લા પાંચ વર્ષોમાં જેન્‍ડર રેશિયોમાં આવેલા સુધાર અને બાળકીઓના જન્‍મ અને જીવન આયુષ્‍ય દરમાં વૃદ્ધિ એ છે. તેમણે કહ્યું હતું કે પોષણ અભિયાન અંતર્ગત જરૂરી પોષક તત્‍વો ઉપલબ્‍ધા કરાવાતા અને દેશને ૨૦૧૯ સુધીમાં ખુલ્લામાં શૌચથી મુક્‍ત કરાવવાના રાષ્ટ્રીય સ્‍તરે ચલાવાતા અભિયાનોથી પણ ફરક આવશે.

યુનિસેફ, વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા, સંયુક્‍ત રાષ્ટ્ર જનસંખ્‍યા વિભાગ અને વિશ્વ બેન્‍ક સમૂહ તરફથી જારી મૃત્‍યુ દરના નવા અંદાજો પ્રમાણે, ૨૦૧૭માં ૧૫ વર્ષથી ઓછી વયના બાળકોમાં મોટાભાગના લોકોના મૃત્‍યુને રોકી શકાય તેમ હતું અથવા તો તેમની બીમારીઓનો ઈલાજ થઈ શકે તેમ હતો એમ યુનાઈટેડ નેશન્‍સ ઈન્‍ટર-એજન્‍સી ગ્રૂપ ફોર ચાઈલ્‍ડ મોર્ટાલિટી એસ્‍ટીમેશન (UNIGMI)એ રિપોર્ટમાં જણાવ્‍યું છે.

વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા ખાતે ચીફ ઓફ હેલ્‍થ ડો. ગગન ગુપ્તાએ કહ્યું હતું કે ૨૦૧૭માં ભારતમાં નવજાત શિશુઓનાં મોતનો આંકડો પાંચ વર્ષમાં સૌથી ઓછો નોંધાયો છે પરંતુ નવજાત શિશુઓનાં મોતનો આંકડો હજુ પણ વિશ્વની તુલનામાં સૌથી વધુ છે. ભારત પછી ચીનમાં નવજાત શિશુઓનાં મોતનો આંકડો ૩૩૦૦૦૦ રહ્યો હતો.

(10:22 am IST)