Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

દિલ્‍હીથી મનાલી થઇ લેહ પહોંચો માત્ર રૂા. ૧૩૯૯માં : પ્રકૃતિના થશે અદ્‌ભૂત દર્શન

દિલ્‍હી - મનાલી લેહ રૂટનું અંતર ૧૦૭૨ કિમી છે : પૂરા સફર દરમિયાન ત્રણ ડ્રાઇવર અને ૨ કંડકટર બદલાય છે

નવી દિલ્‍હી તા. ૧૯ : હરવા-ફરવા અને જમવાના શોખિન એટલે ગુજરાતી. ગુજરાતની પ્રજાને મોજીલી, રંગીલી અને શોખિન પ્રજા માનવામાં આવે છે. ગુજરાતીઓ કમાણીમાં તો આગળ છે સાથે મોજ-શોખ કરવામાં પણ આગળ છે. તેથી જ ભારત સહિત કોઈ પણ પ્રવાસના સ્‍થળે જાઓ તો ગુજરાતી તો મળી જ જાય. તો આજે અમે તમને ધરતીના સ્‍વર્ગની સફર માત્ર રૂ. ૧૩૯૯માં કેવી રીતે કરી શકાય તેની માહિતી આપીશું.

હિમાચલ પ્રદેશ દ્વારા પ્રવાસીઓ માટે દિલ્‍હીથી હિમાચલ પ્રદેશની પણ બસ સેવા ચાલે છે. આનો ઉપયોગ કરી સસ્‍તામાં હિમાચલ પ્રદેશની સૌદર્યતા એકદમ સસ્‍તામાં નિહાળી શકો છો.

દરેક ગુજરાતી જ નહી દરેક ભારતીયનું સપનું હોય છે, જિંદગીમાં એક વખત હિમાચલ પ્રદેશ કે કાશ્‍મીરની સફર કરવામાં આવે. પરંતુ ટૂર પેકેજના ભાવ ઉંચા હોવાથી દરેક લોકો આ સપનું પુરૂ નથી કરી શકતા. તો સામાન્‍ય કુંટુંબ પણ ઓછા ખર્ચે સારા પ્રવાસના સ્‍થલની મુલાકાત આ બસ સેવા દ્વારા લઈ શકે છે.

HRTC દ્વારા દિલ્‍હીથી હીમાચલ પ્રદેશના મોટાભાગના સ્‍થળ પર બસ સેવા ચલાવવામાં આવે છે. આ બધામાં દુનિયાના સૌથી ઊંચા સ્‍થળ પર પણ બસ સેવા ચાલે છે. આ સ્‍થળ છે દિલ્‍હીથી મનાલી થઈ લેહનો રૂટ.

દેશના સૌથી ઊંચા અને લાંબા રૂટ લેહ-મનાલી-દિલ્‍હી પર વર્ષ ૨૦૦૮માં સૌથી પહેલા બસ સેવા શરૂ કરવામાં આવી હતી અને હવે ૧૦ વર્ષથી આ બસ સેવા ચાલી રહી છે.

દિલ્‍હી-મનાલી લેહ રૂટનું અંતર ૧૦૭૨ કિમી છે. એચઆરટીસી તરફથી રૂ. ૧૩૯૯ રૂપિયાનું ભાડુ વસુલવામાં આવે છે. પૂરા સફર દરમ્‍યાન ત્રણ ડ્રાઈવર અને ૨ કન્‍ડક્‍ટર બદલાય છે. મંડીના સુંદરનગર અને કેલાંગમાં ડ્રાઈવર બદલાય છે. કેલાંગમાં રાત્રે બસ માટે હોલ્‍ટ રહે છે. અહીંથી બાદમાં સવારે બસ લેહ માટે નીકળે છે.

આ વર્ષે હવામાનમાં થયેલા ફેરફારના કારણે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) તરફથી મનાલી-લેહ હાઈવેને પુનઃ સ્‍થાપિત કરી દેવામાં આવ્‍યો છે. આ કારણથી આ સુવિધા રેકોર્ડ મે મહિનામાં શરૂ થઈ શકી હતી.

વિશ્વના સૌથી ઊંચા રોમેન્‍ટિક સફરમાં આ બસ પ્રવાસી રોહતાંગ પાસ (૧૩૦૫૦ ફૂટ), બારાલાચા પાસ(૧૬૦૪૩ ફૂટ) અને તંગલાંગલા (૧૭૪૮૦ ફૂટ) અને લાચૂંગલા પાસ (૧૬૫૯૮ ફૂટ) થઈ પસાર થાય છે.

આ દરમ્‍યાન પ્રવાસી ખતરનાક રસ્‍તા સિવાય પ્રકૃતિના અદભૂત નજારાનો આનંદ ઉઠાવી શકે છે. આ બસ કેલાંગ, પટસૂ, જિંદજિંગ બાર, ૨૧ ગાટા લૂપ્‍સ, વ્‍હીસ્‍કી નાળા અને સૂરજતાલ જેવા કેટલાક રમણીય સ્‍થળ થઈ લેહ પહોંચે છે.

(10:21 am IST)