Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

નિરવ મોદીની વિદેશ સ્‍થિત રૂા. ૪ હજાર કરોડની સંપત્તિ જપ્ત કરવાની EDની તૈયારી

૧૩,૭૦૦ કરોડનું ફૂલેકું પણ અત્‍યાર સુધી માંડ રૂા. ૭૦૦ કરોડની સંપત્તિ જપ્‍ત : EDએ અમેરિકા, યુકે, સ્‍વિત્‍ઝર્લેન્‍ડ, હોંગકોંગ અને સિંગાપોર સરકારને લેટર્સ રોગેટરીઝ મોકલી કાર્યવાહી હાથ ધરી

નવી દિલ્‍હી તા. ૧૯ : પંજાબ નેશનલ બેંકનું કરોડોનું ફૂલેકું ફેરવીને વિદેશ ભાગી ગયેલા નિરવ મોદીની વિદેશ સ્‍થિત સંપત્તિ જપ્ત કરવાની ભારત સરકારે તૈયારી કરી છે.

એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે નિરવ મોદીની વિવિધ સંપત્તિની તપાસ વિદેશો સુધી લંબાવી છે. અત્‍યાર સુધી વિદેશમાં નિરવ મોદીની રૂ. ચાર હજાર કરોડની સંપત્તિની વિગતો સામે આવી છે. પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ કાયદા હેઠળ ઈડી આ સંપત્તિ જપ્ત કરવાની તૈયારી કરી છે.

સૂત્રોના જણાવ્‍યાનુસાર, નિરવ મોદીની વિદેશસ્‍થિત સંપત્તિ ટાંચમાં લેવા મુંબઈની અદાલતે લેટર્સ રોગેટરીઝ પણ ઈસ્‍યૂ કર્યા છે, જયારે બીજા પણ આવા અનેક લેટર્સ મોકલવાની તૈયારી આખરી તબક્કામાં છે. મુંબઈની અદાલતની મદદથી ઈડીએ અત્‍યાર સુધી અમેરિકા, યુકે, સ્‍વિત્‍ઝર્લેન્‍ડ, હોંગકોંગ અને સિંગાપોર સરકારને લેટર્સ રોગેટરીઝ મોકલી છે. નિરવ મોદી આ દેશોમાં ભવ્‍ય ઘરો અને વિલા ધરાવે છે.

ઈડીએ કહ્યું હતું કે, અમે નિરવ મોદીની વિદેશસ્‍થિત સંપત્તિ શોધવા ખાસ ટીમ બનાવી હતી. આ મુદ્દે ચોક્કસ માહિતી મળ્‍યા પછી અમે લેટર્સ રોગેટરીઝ ઈસ્‍યૂ કર્યા હતા. અમને બે ડઝન સંપત્તિની માહિતી મળી છે, જેનું કુલ મૂલ્‍ય રૂ. ચાર હજાર કરોડ જેટલું થવા જાય છે. અગાઉ અમે બીજા કેટલાક કેસમાં પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ કાયદા હેઠળ અમેરિકા અને ઓસ્‍ટ્રેલિયામાં સંપત્તિ ટાંચમાં લીધી હતી. નિરવ મોદી કેસમાં પણ આ રીતે સંપત્તિ જપ્ત કરવી શક્‍ય છે.

તપાસ એજન્‍સીઓને જાણવા મળ્‍યું છે કે, નિરવ મોદીની વિદેશસ્‍થિત અનેક સંપત્તિઓ પરિવારના સભ્‍યો અને નકલી કંપનીઓના નામે નોંધાયેલી છે. આ ઉપરાંત વિદેશમાં હજુયે કાર્યરત કેટલાક શો રૂમો પણ ઈડીની રડાર પર છે. અત્‍યાર સુધી નિરવ મોદી અને તેના પરિવારની દેશભરમાંથી રૂ. ૭૦૦ કરોડની સંપત્તિ જપ્ત થઈ ચૂકી છે.

(10:20 am IST)