Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

મોદીના નારા ચૂંટણી નારા જ હોતા નથી : શાહે કરેલો દાવો

નાગોરમાં ખેડૂત સંમેલનમાં અમિત શાહના પ્રહારો : કોંગી શાસનમાં આલિયા, માલિયા, જમાલિયા જવાનોના માથા કાપી લઇ જતાં હતા : હવે સ્થિતિ બદલાઈ ગઈ છે

જોધપુર, તા. ૧૮ : રાજસ્થાનમાં આગામી વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે નાગોરમાં ખેડૂત સંમેલનને સંબોધન કર્યું હતું અને અહીં અમિત શાહે કોંગ્રેસ પર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં દરરોજ આલિયા, માલિયા, જમાલિયા અમારા સૈનિકોના માથા કાપીને લઇ જતાં હતા. અપમાનિત કરતા હતા પરંતુ મનમોહનસિંહ કોઇ ટિપ્પણી કરતા ન હતા પરંતુ અમારી સરકારમાં સર્જિકલ સ્ટ્રાઇક મારફતે ત્રાસવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. તેમનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. ખેડૂત માટે પણ દેશની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. કોંગ્રેસની સરકારમાં હાલત ખુબ જ કફોડી હતી. ભાજપ સરકાર આવ્યા બાદથી સ્થિતિ બદલાઈ ગઈ છે. ૧૨ જવાનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાના ૧૦ દિવસની અંદર જ મોદીએ નિર્ણય કર્યો અને સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતીય જવાનોએ પાકિસ્તાનની અંદર ઘુસીને આનો બદલો લીધો હતો. કોંગ્રેસની સરકાર ખેડૂત અને અન્યોની સુરક્ષા કરી શકે તેવી નથી. જય જવાન જયકિસાનના નારાને કોંગ્રેસ સરકાર અમલી કરવાની સ્થિતિમાં નથી. પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું હતું કે, જ્યારે તેઓ નાગોરમાં પહોંચ્યા છે ત્યારે વીર તેજાજીમહારાજની ધરતી પર તેમના ગુણગાન ચોક્કસપણે કરશે. નાગોરની ભૂમિ તેજાજીની ભૂમિ છે અને વીર અમરસિંહ રાઠોડની આ ભૂમિ છે. મીરાબાઈની ભૂમિ છે. આ ભૂમિથી સમગ્ર હિન્દુસ્તાનને ભક્તિ અને વીરતાના દર્શન થયા છે. અમિત શાહે કહ્યું હતું કે, મિડિયાના લોકો તેમની જગ્યાએ ખેડૂત સંમેલનમાં આવેલા રાજસ્થાનના લોકોને દર્શાવશે તો ખબર પડી શકે કે રાજસ્થાનમાં કોની સરકાર બનવા જઈ રહી છે. 

ભાજપની સરકાર જ્યારથી બની છે ત્યારથી અમારો નારો દેશને સમૃદ્ધ બનાવવા સાથે સંબંધિત રહ્યો છે. સમૃદ્ધ ખેડૂતની કલ્પના અમે લોકોની સમક્ષ રજૂ કરી દીધી છે. શાહે કહ્યું હતું કે, ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધનો નારો અમે આપી ચુક્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપને ૨૫માંથી ૨૫ સીટો છેલ્લી લોકસભા ચૂંટણીમાં મળી હતી. જો પુરેપુરી સીટ ન મળી હોત તો મોદીના નેતૃત્વમાં સરકાર નબળી સરકાર બની હોત અને આવી સરકાર કોઇ નિર્ણય લેવામાં સફળ રહી ન હોત. પૂર્ણ બહુમતિનો નિર્ણય રાજ્યના લોકોએ કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોને સમર્પિત સરકાર છે. ૨૦૨૨ સુધી ખેડૂતોની આવકને બે ગણી કરીને માનીશું. તમામ લોકો જાણે છે કે, મોદીના નારા કોઇ ચૂંટણી નારા હોતા નથી. અમને નારાને વાસ્તવિકતામાં બદલવાનું આવડે છે.

રવિ-ખરીફ પાક ક્યારે થાય રાહુલને પૂછો.....

રાહુલ પાસે જવાબ નહીં હશે : શાહ

         જોધપુર, તા. ૧૮ : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે નાગોરમાં ખેડૂત સંમેલન દરમિયાન કહ્યું હતું કે જ્યારે હોનારત આવે છે ત્યારે પુર આવે છે. ત્યારે ખેડૂતોની હાલત કફોડી બને છે. ખેડૂતોના પાકને નુકસાન થાય છે. વળતર આપવાનો સમય આવે છે ત્યારે અગાઉ ધ્યાન આપવામાં આવતું ન હતું. ૪૦ વર્ષમાં ખેડૂતોના વળતરને વધારવાનું કામ કોઇ કર્યું ન હતું. મોદી સરકાર આવ્યા બાદ ઘણા પરિવર્તન થયા છે. હવે ૩૩ ટકા પાક બરબાદ થઇ જાય તો વળતર ચુકવવામાં આવે છે. ખેડૂતોની સાથે ઉભા રહેવાની બાબત મોદી સરકારની પ્રાથમિકતા છે. સોઇલ હેલ્થ કાર્ડ આપીને જમીનના સંદર્ભમાં ખેડૂતોને માહિતી આપવામાં આવી રહી છે. ખેડૂતોને દોઢ ગણા સમર્થન મૂલ્ય આપી દેવાયા છે. કોંગ્રેસ ક્યારે ક્યારે ૧૦ રૂપિયા ૨૦ રૂપિયાનો વધારો કરતી હતી. રાહુલ ગાંધીને જો રવિ અને ખરીફ પાક અંગે કોઇ પુછી લે તો તેમની પાસે જવાબ રહેશે નહીં.

(12:00 am IST)