Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

દર્દીઓના અધિકાર અંગેની નવી ડ્રાફ્ટ પોલીસી મંજૂર થાય તો દેશભરમાં દર્દીઓને મોટી રાહત થશેઃ હોસ્પિટલ દ્વારા નક્કી કરાયેલ મેડીકલ કે લેબોરેટરીમાં જવામાંથી છૂટકારો મળશે

નવી દિલ્હીઃ જો આરોગ્ય મંત્રાલય તરફથી તૈયાર કરવામાં આવેલ દર્દીઓના અધિકાર અંગેની નવી ડ્રાફ્ટ પોલિસીને મંજૂરી મળી જશે તો દેશભરમાં દર્દીઓને મોટી રાહત મળશે. જેમ કે આ નિયમ અંતર્ગત દર્દી કોઈપણ રજીસ્ટર્ડ મેડિકલમાંથી દવા લઈ શકશે અને કોઈપણ કાયદેસરતા પ્રાપ્ત લેબોરેટરીમાં ટેસ્ટ રિપોર્ટ કરાવી શકશે. આ માટે તેણે હોસ્પિટલ દ્વારા જ રેકમેન્ડ કરવામાં આવેલ મેડિકલ કે લેબમાં જવાની જરુર નથી.

તેમજ હોસ્પિટલ પણ આ માટે દર્દીઓ પર દબાણ નહીં કરી શકે. આ ઉપરાંત 17 બીજા પણ આવા જ અધિકાર દર્દીઓને મળશે જેનાથી દર્દીઓને ફાયદો મળશે. મંત્રાલયે આ ચાર્ટરને મંત્રાલયની વેબસાઇટ પર મુક્યો છે અને તેમાં લોકો પાસેથી સૂચનો અને ટિપ્પણીઓ માગવામાં આવી છે. આ ચાર્ટરમાં ઈમર્જન્સી કેરનો અધિકાર પણ સામેલ છે. જેમાં હોસ્પિટલમાં સારવાર પહેલા પેમેન્ટ જમા કરાવવાની બાધ્યતા પણ સામેલ નથી. આ ઉપરાંત દર્દીઓ અને તેમના પરિવારજનો રોગ તેમજ તેની સારવાર સંબંધીત તેમામ ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ અને ફોટો કોપી પોતાની પાસે રાખવાનો અધિકાર છે.

તેમજ કોઈપણ પ્રકારની કેસમાં સારવાર સંબંધિત તમામ ડોક્યુમેન્ટ્સ દર્દીઓ અને તેમના પરિવારને 24-72 કલાકમાં આપી દેવાનું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. દર્દીઓને તેમની સારવાર અંગે તમામ પ્રકારની માહિતી જેમ કે સારવારનો પ્રકાર તેના ભવિષ્યના કોમ્પ્લિકેશન અંગે જાણવાનો અધિકાર હશે. તેમજ હોસ્પિટલના બિલમાં દરેક આઇટમની ડિટેલ તેના પર વસૂલવામાં આવેલ ચાર્જની જાણકારી આપવી પડશે. તેમજ દર્દી કોઈ બીજા ડોક્ટર પાસેથી આ અંગે બીજો ઓપિનિયન લઈ શકે તેનો પણ હક્ક આપવાની ચાર્ટરમાં પહેલ કરવામાં આવી છે.

તેમજ ઘણીવાર બને છે તેમ પરિવાર પૂરતા રુપિયા જમા ન કરી શકવાના કારણે હોસ્પિટલ તેમના મૃત પરિજનના શબને પરિવારને સોંપવાની ના પાડે છે. તેવા કિસ્સામાં હોસ્પિટલ જો રુપિયા જમા નહીં થયા હોય તો પણ પરિવારને મૃત વ્યક્તિના મૃતદેહને પરિવારને સોંપવાની ના નહીં પાડી શકે. મંત્રાલયની વેબસાઇટના જણાવ્યા મુજબ તેમની યોજના છે કે આ ચાર્ટરને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવશે.

(12:00 am IST)