Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ડેમોમાં ૧૦ વર્ષમાં સૌથી વધુ પાણી ભરાયા

કુદરતની મહેરબાની, રેકોર્ડ વરસાદે આશાઓ જગાવી!

નવી દિલ્હી તા. ૧૯: દેશમાં આ વર્ષે કુદરતની મહેરબાનીથી ભરપૂર વરસાદ થયો છે. શરૂઆતની આશંકાઓને દુર કરીને છેલ્લા એક મહિનામાં થયેલ રેકોર્ડ વરસાદે ખેડૂતોથી માંડીને ઉદ્યોગ-વ્યાપાર જગત સુધીના લોકોમાં આશાઓ જગાવી છે. ઓગસ્ટમાં સરેરાશ કરતા ૩પ ટકા વધારે વરસાદ પડયો છે.

દેશના દક્ષિણ કાંઠે લગભગ એક અઠવાડીયું મોડા શરૂ થયેલા વરસાદના કારણે જૂનનાં પહેલા સપ્તાહમાં દુકાળ સામે લડવા માટેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. તેનાથી ઉલ્ટું હવે સારા વરસાદ પછી હવે એવી આશા સેવાઇ રહી છે કે આ વર્ષે બમ્પર પાક ઉત્પન્ન થશે. દેશના મોટા જળાશયોમાં છેલ્લા દસ વર્ષની સરેરાશ કરતા રપ ટકા વધુ પાણીનો સંગ્રહ થોયાથી એવી પણ આશા છે કે પીવાના પાણીની મુશ્કેલી તો ઘટશે જ સાથે સાથે ઉનાળામાં સિંચાઇના પાણીની મુશ્કેલીઓ પણ હળવી થશે અને વિજ ઉત્પાદનમાં પણ વધારો થશે.

દેશી વિદેશી કારણોથી અર્થવ્યવસ્થામાં મંદીની આશંકા સેવતા ઉદ્યોગ જગતને આશા છે કે સારા પાકના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરવાનો ફાયદો તેમને પણ મળશે. કૃષિ આયુકત એસ. કે. મલ્હોત્રા અનુસાર, આ વર્ષે પણ રેકોર્ડ ઉત્પાદનની આશા છે. છેલ્લા ત્રણ અઠવાડીયામાં વાવણીનું કાર્ય ઝડપભેર વધ્યું છે. કૃષિ મંત્રાલય અનુસાર શુક્રવાર સુધીમાં તેલીબીયામાં ગયા વર્ષ જેટલી વાવણી થઇ ચુકી છે. કપાસમાં પ.૬ ટકા વધારે જયારે કઠોળ અને જાડા ધાન્યોમાં વાવણી માત્ર ૩.પ ટકા જ ઓછી રહી છે.

મધ્ય પ્રદેશના ર૩ જીલ્લામાં સામાન્યથી વધારે વરસાદ થયો છે. આખા રાજયમાં સરેરાશથી ૧પ ટકા વધારે વરસાદ થયો છે. નદીઓ ખતરાના નિશાન પાસે પહોંચી ચુકી છે. અનાજ, અડદ, મગના ઉભા પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે. બે મહિના પછી રોપાનાર ચણા, સરસવ અને ઘઉં માટે પણ પુરતું પાણી થઇ ગયું છે. (૭.ર૧)

રાજયમાં રવિવારે સવાર સુધીમાં બંધોની ક્ષમતાનું ૬૭.૭ર ટકા પાણી સંગ્રહ થયું છે. રાજયના સૌથી મોટા ડેમ સરદાર સરોવરમાં ક્ષમતાનું લગભગ ૮૦ ટકા પાણી સંગ્રહિત થયું છે. રાજયના નર્મદા સહિતના બધા બંધોની કુલ ક્ષમતા રપરર૪.૧૬ મિલીયન કયુબીક મીટર (એમસીએમ) છે. અત્યાર સુધીમાં આ ક્ષમતાના ૭૩.૮૮ ટકા એટલે કે ૧૮૬૩૪.૬૦ એમસીએમ પાણી સંગ્રહ થયું છે.

રાજયના ૩૮ ડેમ છલકાઇ ગયા છે, જયારે પ૩ ડેમમાં જળસંગ્રહ ૯૦ થી ૧૦૦ ટકા થયો છે. પર ડેમને હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે જયારે ૧૩ ડેમમાં ૮૦ થી ૯૦ ટકા જળસંગ્રહ થવાથી તેમને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. ૧ર ડેમમાં ૭૦ થી ૮૦ ટકા જળસંગ્રહ થવાથી નિચાણવાળા વિસ્તારોમાં ચેતવણી અપાઇ છે.

 

(4:18 pm IST)