Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

પીઓકેને આઝાદ કરાવીને ભારતમાં ભેળવી દેવાનો સમય આવી ગયો છેઃ જિતેન્દ્રસિંહ

સંસદની પણ સંપૂર્ણ સંમતિ છે, લોકો બિન્ધાસ્ત મુજફફરાબાદ જઇ શકશે

નવી દિલ્હી તા.૧૯:કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ બાદ હવે વડા પ્રધાન કાર્યાલયના રાજયકક્ષાના પ્રધાન જિતેન્દ્રસિંહે પણ પાક. હસ્તકના કાશ્મીર (પીઓકે) અંગે એક મોટુ નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યું છે કે હવે પીઓકેને આઝાદ કરાવીને ભારતમાં સામેલ કરી દેવાનો સમય આવી ગયો છે. આ માટે સંસદની પણ સંપૂર્ણ સંમતિ છે.

એક બેઠકને સંબોધતાં જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ચાલો આપણે બધા મળીને પ્રાર્થના કરીએ કે જે રીતે ઇશ્વરે આપણને આપણા જીવનકાળમાં કલમ-૩૭૦ હટાવવાનો દિવસ જોવા મળ્યોએ રીતે હવે ઇશ્વર આપણને પીઓકે આઝાદ કરાવીને તેને ભારતમાં ભેળવી દેવાની પણ તક આપે.

આપણી ત્રણ પેઢીઓએ બલિદાન આપ્યાં છે ત્યારે કલમ-૩૭૦ હટી છે.  આ ઐતિહાસિક પગલાં બાદ હવે આપણે સકારાત્મક વિચાર સાથે કામ કરવું પડશે અને ગેરકાયદે હડપ કરી લેવામાં આવેલ પીઓકેને પાકિસ્તાનના ગેરકાયદે કબ્જામાંથી આઝાદ કરાવીને ત્યાં પણ ભારતનો ત્રિરંગો લહેરાવવાનો સમય આવી ગયો છે.

આ અગાઉ રાજનાથસિંહે પણ એવું જણાવ્યું હતું કે હવે કાશ્મીર નહીં, પરંતુ પાક.હસ્તકના કાશ્મીર અંગે જ માત્ર વાતચીત થશે. જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે કલમ-૩૭૦ની જેમ પીઓકેને પાકિસ્તાનના કબ્જામાંથી છોડાવીને તેનો ભારતમાં વિલય જોવા પણ એક સૌભાગ્યની વાત હશે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને જીવતા જીવ કલમ-૩૭૦ રદ થતી હોવા મળી, જેવું સુષમાજીએ પોતાના આખરી ટ્વિટમાં લખ્યું હતું.

જિતેન્દ્રસિંહ વધુમાં જણાવ્યું હતું કે પીઓકે ભારતમાં સામેલ થયા બાદ લોકો બિન્ધાસ્ત મુજફફરાબાદ પણ જઇ શકશે. આપણે દુઆ કરીએ કે આપણે પીઓકેના દેશમાં વિલય બાદ લોકો બેરોકટોક પીઓકેની રાજધાની મુજફફરાબાદ જતા જોવા મળશે.

(4:06 pm IST)