Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ફિનલેન્ડમાં પ્રવર્તમાન શિક્ષણનીતિની હિમાયત કરતા સંઘ વડા મોહન

અઠવાડીયે ૨૦ કલાક : વર્ષમાં ૧૯૦ દિ' અભ્યાસઃ હોમવર્ક તો બિલકુલ નહિઃ ભાગવતજીઃ ફિનલેન્ડમાં વિદ્યાર્થીઓને જીવનના સંઘર્ષ સામે લડવાનું શિખવવામાં આવે છેઃ વધુ માર્ક લાવવાનુ નહિ ભારતમાં બાળકોને અઠવાડીયે ૩૦-૩૦ કલાકનુ ભણતર અને માથે જાતા હોમવર્કનો ઢગલો કરાય છે હોમવર્ક ન હોવાના કારણે બાળકો બીજુ ઘણુ બધુ નવું શીખી શકે છે

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર એસ એસ)ના પ્રમુખ મોહન ભાગવતે ફિનલેન્ડની શિક્ષણ નીતિના વખાણ કરતા તેને વિશ્વની સૌથી સારી શિક્ષણનીતિમાંથી પ્રેરણા લેવાનુ કહ્યુ હતુ. આર એસ એસના સંબધ્ય શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા આયોજીત કાર્યક્રમ જ્ઞાનોત્સવમાં ભાગવતે કહ્યુ 'ફિનલેન્ડને તેની શિક્ષણનીતિ માટે દુનિયાભરમાં વખાણવામાં આવે છે.''

અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોને  આશ્ચર્ય છે કે ફિનલેન્ડની શિક્ષણનીતી કેટલી સારી છે. ત્યાં જીવનના સંઘર્ષ સામે લડવાનુ શિખવવામાં આવે છે. , પરીક્ષામાં વધારે માર્ક લાવવાનું નહી. ત્યાંની શિક્ષણનીતિમાં દેશના મૂલ્યોને જે રીતે સામેલ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ભારતે પણ પોતાના દેશના મૂલ્યોને આપણી શિક્ષણનીતિમાં સામેલ કરવા જોઇએ.

ફિનલેન્ડની શાળાના બાળકોને અઠવાડીયામાં ૨૦ કલાક અને વર્ષમાં ૧૯૦ દિવસ અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે ભારતની મોટાભાગની શાળાઓમાં અઠવાડીયામાં સરેરાંશ ૩૦-૩૦ કલાક બાળકોને ભણાવાય છે. ભારતમાં બાળકો પર હોમવર્કનો પણ મોટો બોજ હોય છે પણ ફિનલેન્ડના બાળકોને હોમવર્ક નથી અપાતુ. આ ઉપરાંત ત્યાં કોઇ ટેસ્ટ પણ નથી હોતી.

અમેરિકાના ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવનાર માઇકલ યુરેએ ૨૦૧૫માં પોતાની એક ફિલ્મ વેર ટુ ઈનવેડ નેકસટમાં ફિનલેન્ડના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન ક્રિસ્તા કિયુરૂનો ઈન્ટરવ્યુ લીધો હતો. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે હોમવર્ક ન હોવુ તે આ સીસ્ટમનું અગત્યનુ અંગ છે. કેટલાક ટીચરો અને બાળકોએ વાતચીત  દરમ્યાન યુરોને કહ્યુ હતુ કે હોમવર્ક ન હોવાના કારણે બાળકો પરિવાર સાથે સમય વિતાવી શકે છે. કોઇ ઝાડ પર ચડે છે. તો સંગીત શીખી શકે છે.

ભારતમાં ત્રણ વર્ષે બાળક શાળાએ જવાનુ  શરૂ કરી દે છે, જ્યારે ફિનલેન્ડમાં ૬ વર્ષની ઉમર શાળાએ જવાનુ શરૂ થાય છે. ત્યાં પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી જેવા કોઇ વિભાગો નથી.

ઉલ્લેખનિય છે કે પ્રોગ્રામ ફોર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ એસેસમેન્ટમાં ફિનલેન્ડ ઘણા સમયથી પોતાનુ સ્થાન જાળવતુ આવ્યુ છે.

 ૨૦૧૭માં આ દેશ ગણિતમાં આખા વિશ્વમાં ૧૧માં સ્થાને , વિજ્ઞાનમાં પાંચમાં અને રિડીંગમાં ચોથા સ્થાન પર રહ્યો હતો.

(4:03 pm IST)