Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

કાશ્મીર ઘાટીમાં અશાંતિ સર્જવા પાકિસ્તાનનું ષડ્યંત્ર ;મોટાપાયે આતંકીઓ ઘુસાડવા કાવત્રુ

કાશ્મીરમાં શાંતિ જોઇને પાકિસ્તાનની ઉંઘ હરામ : બોર્ડર પર સતત યુદ્ધવિરામનો ભંગ

નવી દિલ્હી ;આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને વહીવટીતંત્ર શક્ય તેટલું વહેલી તકે લોકોના જીવનને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન રાઘવાયું બન્યું છે અને ઘાટીમાં અશાંતિ સર્જવા ષડ્યંત્ર ઘડ્યું છે . સોશિયલ મીડિયા પર અફવા ફેલાતાં વહીવટી તંત્રએ ફરી મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

દરમિયાન, ઘાટીની પરિસ્થિતિને બગાડવા અને આતંકવાદીઓની ઘૂસણખોરી વધારવા માટે પાકિસ્તાન દ્વારા બોર્ડર પર સતત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સેનાને આશંકા છે કે આ ગોળીબાર પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરી કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

આર્ટિકલ 370 પર પાકિસ્તાનનું ઘાટીને ભડકાવવાનું કાવતરું અસફળ રહેતા હવે તેઓ એલઓસી(LOC) પર ફાયરિંગ કરી રહ્યા છે. એલઓસીના 700 કિ.મી. વિસ્તારમાં પાકિસ્તાનની આ હરકત સ્પષ્ટ રીતે નજરે ચઢી છે.

કાશ્મીરમાં શાંતિ જોઇને પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ છે, ત્યારબાદ પાકિસ્તાની સેના પરિસ્થિતિને બગાડવા માટે આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહી છે. ઘુસણખોરીની દ્રષ્ટિએ ગુલમર્ગનું ગાઢ જંગલ આતંકીઓ માટે હંમેશાં પ્રથમ પસંદગીનો માર્ગ રહ્યું છે. આ જ કારણે ગુલગર્મમાં સેનાએ સૈનિકોની મોટી ફોજ ગોઠવી દીધી છે. ગાઢ જંગલનો કોઈ ખૂણો સર્વેલન્સની બહાર નથી.

(12:00 am IST)