Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

સમુદ્રની વધતી જળસપાટીથી વૈશ્વિક સ્તરે વિનાશક સુનામીનું જોખમ

ભૂકંપની સ્થિતિમાં વિનાશક સુનામી સર્જાવાની ભીતિ :દુનિયાના દરિયાકાંઠે વસેલા શહેરો અને સમુદાયો પર મંડરાતો ગંભીર ખતરો

વોશિંગ્ટન:સમુદ્રની વધતી જળસપાટીને કારણે વિશ્વમાં વિનાશક સુનામીની જોખમ હોવાનું એક અભ્યાસમાં કહેવાયું છે પર્યાવરણમાં થતા બદલાવન પગલે સમુદ્રના સ્તરમાં નજીવો વધારો થવાથી વૈશ્વિક સ્તરે વિનાશક સુનામીનું જોખમ રહેલું છે એક અભ્યાસમાં જણાવાયું  છે કે વિશ્વમાં દરિયાકાંઠે વસેલા શહેરો અને સમુદાયોને સમુદ્રની વધતી સપાટીથી જોખમ રહેલું છે તેવામાં એક નવા અભ્યાસમાં કહેવાયું છે દરિયાના પાણી વધુ આગળ આવતા ભૂકંપની સ્થિતિમાં વિનાશક સુનામી સર્જાવાની ભીતિ રહેલી છે.

  2011માં ત્રાટકેલા ભયાવહ સુનામીથી ઉત્તર જાપાનમાં ભારે વિનાશ વેરાયો હતો. જાપાનમાં ભૂકંપથી પરમાણુ મથકમાં પણ ક્ષતિ થઈ હતી અને તેના રેડિયોએક્ટિવ કિરણો લીક થયા હતા.

  ‘અમારા અભ્યાસમાં જણાયું છે કે સમુદ્ર સ્તર વધવાથી સુનામીનું ભારે જોખમ ઊભું થઈ શકે છે, જેને પગલે ભવિષ્યમાં નાના સુનામીથી પણ ભૂતકાળમાં જોવા મળેલા મોટા સુનામી જેટલો વિનાશ સર્જાઈ શકે છે,’ તેમ અમેરિકાના વર્જિનિયા ટેકના સહયોગી પ્રોફેસર રોબર્ટ વીસે જણાવ્યું હતું. સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકટ થયેલા આ અભ્યાસમાં સંશોધકોએ ચીનના મકાઉ ખાતે વર્તમાન સમુદ્ર સ્તર તેમજ દોઢ ફૂટ અને ત્રણ ફૂટના વધારા સાથે કમ્પ્યૂટર સિમ્યુલેટેડ સુનામી સર્જી હતી. 

' વર્તમાન સમુદ્ર સપાટીએ 8.8નો ભૂકંપ આવે તો મોટાપાયે સુનામી સર્જાઈ શકે છે. જો કે સમુદ્ર સ્તર વધારાતા તેના ચોંકવનારા પરિણામો સામે આવ્યા હતા. સમુદ્ર સ્તરમાં દોઢ ફૂટનો વધારો થતા સુનામીનું જોખમ 1.2-2.4 ગણું વધી જાય છે. જ્યારે ત્રણ ફૂટનો વધારો થવાથી સુનામીથી 1.5-4.7 ગણું જોખમ વધતું જોવા મળ્યું હતું.

 ‘ વધતા સમુદ્ર સ્તર સાથે ભૂકંપના નાના આંચકાથી પણ પૂરનું સંકટ વધુ ઘેરુ બને છે તેવું અભ્યાસમાં જણાયું હતું,’ તેમ સિંગાપોર અર્થ ઓબ્ઝર્વેટરીના રિસર્ચ ફેલો લિન લિન લીએ જણાવ્યું હતું.       

સંશોધકોએ કમ્પ્યૂટર સિમ્યુલેશન દ્વારા સુનામીના 5,000 અલગ અલગ તારણો મેળવ્યા હતા. એક અંદાજ મુજબ 2060માં મકાઉ ક્ષેત્રમાં સમુદ્રનું સ્તર 1.5 ફૂટ વધવાનો અંદાજ છે જ્યારે વર્ષ 2100 સુધીમાં સ્તર ત્રણ ફૂટ વધી શકે છે.

  દક્ષિણ ચીન સમુદ્રને મનિલા ખાડી વિસ્તારમાંથી સુનામીનું વધુ જોખમ રહેલું હોય છે. મનિલામાં 1560થી અત્યાર સુધીમાં 7.8થી વધુની તીવ્રતાો ભૂકંપ હજુ સુધી આવ્યો નથી. વૈશ્વિક સ્તરે સમુદ્રની સપાટીમાં વધારો ચિંતાજનક બાબત છે અને આગામી વર્ષોમાં પૃથ્વીની ગરમી વધતા ઓછી તીવ્રતાના ભૂકંપથી પણ સુનામીનું મોટું જોખમ તોળાશે તેવો વર્તારો આ અભ્યાસમાં આપવામાં આવ્યો હતો.  

(8:35 pm IST)