Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પંજાબ મોડેલની અસર હવે રાજસ્થાનમાં જોવા મળશે

પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે નવજોત સિંહ સિદ્ધુની વરણી : પ્રિયંકા ગાંધીના નિર્ણયોની અસર વધી રહેલી જોવા મળે છે, પ્રશાંત કિશોર, કમલનાથની મોટી ભાગીદારીના સંકેત

નવી દિલ્હી, તા.૧૯ : પંજાબમાં પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદે નવજોત સિંહ સિદ્ધુની નિયુક્તિ કરીને ગાંધી પરિવારે એક સાહસિક નિર્ણય લીધો છે. નિર્ણય દ્વારા ગાંધી પરિવારે પાર્ટી હાઈકમાન તરીકે પોતાના અસ્તિત્વને ફરી સર્વોચ્ય સાબિત કર્યું છે જે ચૂંટણીમાં સતત હારના કારણે ખૂબ નબળું પડતું જણાઈ રહ્યું હતું. પંજાબ મોડલની અસર માત્ર પંજાબ નહીં પણ રાજસ્થાનમાં પણ જોવા મળશે જ્યાં મુખ્યમંત્રી અશોક ગેહલોત સચિન પાયલોટ સાથે ચાલી રહેલી ખેંચતાણને અવગણતા આવ્યા છે.

આનાથી પણ મહત્વની વાત છે કે, પાર્ટીમાં જો પ્રિયંકા ગાંધીના નિર્ણયોની અસર વધી રહેલી જોવા મળે છે તો કોંગ્રેસમાં પ્રશાંત કિશોર અને કમલનાથની મોટી ભાગીદારી પણ જોવા મળી શકે છે.

એવું એટલા માટે પણ માનવામાં આવે છે કારણ કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની નારાજગી છતા નવજોત સિંહ સિદ્ધુને પંજાબની કમાન સોંપવાના નિર્ણયનો શ્રેય પાર્ટીની અંદર પ્રિયંકા ગાંધી વાડ્રાને આપવામાં આવી રહ્યો છે. કેપ્ટન અમરિંદરે પોતાના વિરોધી સિદ્ધુની તાજપોશી રોકવા તમામ સંભવિત પ્રયત્નો કર્યા હતા અને દરેક પેંતરા અપનાવ્યા હતા પરંતુ ગાંધી પરિવારે પોતાનું મન મક્કમ રાખ્યું.

હકીકતે પ્રિયંકા ગાંધીને એવા ફીડબેક મળ્યા હતા કે આમ આદમી પાર્ટી સિદ્ધુને લઈ ખાસ ગંભીર નથી. તે ફક્ત સિદ્ધુને કોંગ્રેસનાએક બાગી તરીકે જોવા માગે છે અને ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા ઈચ્છે છે.

(7:44 pm IST)